લખપતના ગુનેરી ગુફા ખાતે 13 ઓગસ્ટથી શ્રીમદ ભાગવત કથા

કચ્છ જિલ્લામાં સૌપ્રથમ વખત લખપત તાલુકાના ગુનેરી સમીપે ડુંગર કોતરીને નિર્માણ પામેલ નિત્ય શિવ નિરંજન દેવ ગુફા ખાતે હિન્દુ સનાતની ચાતુર્માસ કાર્યક્રમ અંતર્ગત શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કથાનો પ્રારંભ 13 ઓગસ્ટથી થશે અને તેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કથા દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોના આયોજન માટે રવિવારે એક બેઠક યોજાઈ હતી, જેમાં સંતો સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રીય મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર ખુશાલ ભારતીજી મહારાજ ઋષિ આશ્રમ મેવાડના સાનિધ્યમાં ચાલી રહેલા આ ચાતુર્માસ ઉજવણી અંતર્ગત શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવારે પાર્થિવ શિવલિંગ પૂજન કરવામાં આવે છે. આ પૂજનમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા છે.

13 ઓગસ્ટથી શરૂ થનારી શ્રીમદ ભાગવત કથા ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના શિષ્ય હાર્દિકભાઈ જોશી (પોરબંદર) દ્વારા કરવામાં આવશે. કથાના પ્રારંભે સવારે પોથી યાત્રા યોજાશે.

કથા દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 16 ઓગસ્ટે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી, 17 ઓગસ્ટે ગોવર્ધન પૂજા અને 18 ઓગસ્ટે રુક્મિણી વિવાહની ઉજવણી કરવામાં આવશે. કથા 19 ઓગસ્ટના રોજ વિરામ પામશે.

ગુનેરી ગુફા સમિતિના સભ્યો દ્વારા આ કથા અને તમામ કાર્યક્રમોની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમ કચ્છ જિલ્લામાં પ્રથમ વખત યોજાઈ રહ્યો હોવાથી ભક્તોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

Leave a comment