ભારતીય રેલવેએ દિવાળી અને અન્ય તહેવારો દરમિયાન ઘરે જતા લોકો માટે પ્રાયોગિક ધોરણે એક યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ જો કોઈ વ્યક્તિ બંને મુસાફરી માટે એકસાથે ટિકિટ બુક કરાવે છે, તો તેમને રિટર્ન ટિકિટ પર 20% ડિસ્કાઉન્ટ મળશે.
આનાથી ઘરે જવા અને પાછા આવવા માટે ટ્રેનનો ઉપયોગ કરનારાઓને ફાયદો થશે. ટિકિટ માટે થતી ભીડ અને તહેવારો દરમિયાન લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રેલવેએ પ્રાયોગિક ધોરણે આ નિર્ણય લીધો છે.
આવવા-જવાની ટિકિટ બંને એકસાથે બુક કરાવવા પર ડિસ્કાઉન્ટ મળશે
- ટ્રેન એક જ જોડીની હોવી જોઈએ: જો તમે અમદાવાદ એક્સપ્રેસ દ્વારા પટના જાઓ છો, તો તમારે તે જ જોડી ટ્રેન દ્વારા રીટર્ન ટિકિટ બુક કરાવવી પડશે. ઉદાહરણ તરીકે જો તમે અમદાવાદ-બરૌની (19484) દ્વારા જાઓ છો, તો રીટર્ન ટ્રેન બરૌની-અમદાવાદ (19483) ની સમાન જોડી ટ્રેન દ્વારા બુક કરાવવી પડશે.
- ટિકિટની વિગતો સમાન હોવી જોઈએ: ટિકિટમાં આપેલી બધી વિગતો સમાન હોવી જોઈએ. એટલે કે, બંને ટિકિટમાં સોર્સ અને ડેસ્ટિનેશન સ્થાન (ક્યાંથી ક્યાં સુધી), મુસાફરનું નામ, ઉંમર, અંતર અને વર્ગ (સ્લીપર, 3 એસી, 2 એસી) જેવી બાબતો સમાન હોવી જોઈએ.
રેલવેના જણાવ્યા અનુસાર, આ ડિસ્કાઉન્ટ મેળવવા માટે 13 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર, 2025 સુધીની મુસાફરી માટે અને 17 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2025 વચ્ચેની પરત મુસાફરી માટે ટિકિટ બુક કરાવવાની રહેશે. બુકિંગ 14 ઓગસ્ટથી શરૂ થશે.
રદ કરવા પર કોઈ રિફંડ આપવામાં આવશે નહીં
- આ યોજના હેઠળ બુક કરાયેલી ટિકિટ રદ કરવા પર કોઈ રિફંડ મળશે નહીં.
- એકવાર ટિકિટ બુક કરાવ્યા પછી, તમે ટિકિટમાં કોઈ સુધારો કે ફેરફાર કરી શકશો નહીં.
- રિટર્ન ટિકિટ બુક કરાવતી વખતે કોઈ વધારાના ડિસ્કાઉન્ટ, કૂપન, વાઉચર, પાસ અથવા PTO લાગુ થશે નહીં.
- બંને ટિકિટો એક જ માધ્યમથી બુક કરાવવી પડશે, પછી ભલે તે ઓનલાઈન હોય કે કાઉન્ટર પર.
- પીએનઆર ચાર્ટ તૈયાર કરતી વખતે કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં.
આ ડિસ્કાઉન્ટ શતાબ્દી એક્સપ્રેસ, રાજધાની એક્સપ્રેસ, દુરંતો એક્સપ્રેસ, સુવિધા એક્સપ્રેસ, વંદે ભારત એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ જેવી ફ્લેક્સી ફેર ટ્રેનો પર લાગુ થશે નહીં. પરંતુ આ સિવાય, બધી શ્રેણીઓ અને ખાસ કરીને ઓન-ડિમાન્ડ ટ્રેનો એટલે કે તહેવારોની ખાસ ટ્રેનો આ ડિસ્કાઉન્ટના દાયરામાં શામેલ છે.
