તિરુવનંતપુરમથી દિલ્હી જતી એર ઇન્ડિયા ચેન્નઈમાં ડાઇવર્ટ

તિરુવનંતપુરમથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2455નું રવિવારે રાત્રે ચેન્નઈમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એરલાઈન્સે આ માટે ટેક્નિકલ ખામી અને ખરાબ હવામાનને કારણ ગણાવ્યું હતું.

વિમાનમાં હાજર કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે લખ્યું છે, જ્યારે ચેન્નઈમાં ઇમર્જન્સી લેન્ડિંગની પહેલી કોશિશ કરવામાં આવી ત્યારે બીજું વિમાન સામે ઊભું હતું. પાઇલટે વિમાનને ફરી હવામાં લઈ લીધું અને બીજી કોશિશમાં સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું. વિમાનમાં ઘણા સાંસદો અને અન્ય ઘણા મુસાફરો સવાર હતા. ફ્લાઇટ અકસ્માતની ખૂબ નજીક પહોંચી ગઈ હતી. એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે, જોકે એર ઇન્ડિયાએ બીજા વિમાનની હાજરીનો ઇનકાર કર્યો છે. એર ટ્રાફિક ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટ રડાર 24 અનુસાર, ફ્લાઇટ 8:17 વાગ્યે ઉડાન ભરી હતી. એ 10:45 વાગ્યે દિલ્હી પહોંચવાનું હતું.

એર ઇન્ડિયાએ કેસી વેણુગોપાલની એક્સ પરની પોસ્ટના જવાબમાં લખ્યું – અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે ફ્લાઇટને ચેન્નઈ તરફ વાળવાનો નિર્ણય સાવચેતી તરીકે લેવામાં આવ્યો હતો, કારણ કે વિમાનમાં ટેક્નિકલ સમસ્યા હતી અને ખરાબ હવામાન હતું. ચેન્નઈ એરપોર્ટ પર પ્રથમ લેન્ડિંગ પ્રયાસ દરમિયાન ચેન્નઈ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)એ ગો-અરાઉન્ડની સૂચના આપી હતી. આ કોઈ અન્ય વિમાન રનવે પર હોવાને કારણે નહોતું.

19 જુલાઈના રોજ એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટે ટેકઓફ કર્યાની માત્ર 16 મિનિટ બાદ હૈદરાબાદ પાછી ફરી હતી. બોઇંગ 737 મેક્સ 8 IX110 વિમાને હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી સવારે 6:40 વાગ્યે ઉડાન ભરી હતી. ફ્લાઇટ સવારે 11:45 વાગ્યે થાઇલેન્ડના ફુકેટમાં લેન્ડ થવાની હતી, જોકે ટેકઓફ કર્યાના થોડા સમય પછી પાઇલટ ફ્લાઇટને હૈદરાબાદ પાછી લાવ્યો.

Leave a comment