જી. કે. જન. હોસ્પિ.ના મનોચિકિત્સકોના મતે વાંચનથી તણાવ દૂર થાય છે

~ પુસ્તકના વાંચનથી વ્યક્તિને  માનસિક રોગથી દૂર રાખી શકાય

પુસ્તક વાંચનથી થતા અનેક ફાયદાઓ પૈકી મેડિકલ વિજ્ઞાન અને મનોચિકિત્સકોના મતે વાંચનને કારણે મન,મગજ અને શરીર બંને રિલેક્સ થાય છે સાથે માંસ પેશીઓ અને હૃદયની ધડકન પણ નિયમિત બને છે.મનગમતા પુસ્તકો વાંચવાથી ૬૦ ટકા માનસિક તણાવ પણ દૂર થાય છે.

અદાણી સંચાલિત GAIMS જી કે જનરલ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના ડો.રિધ્ધિબેન ઠક્કરે રાષ્ટ્રીય પુસ્તક પ્રેમી દિવસ નિમિતે જણાવ્યા મુજબ વાંચનના થતા માનસિક ફાયદાને કારણે  વ્યક્તિએ તણાવ કે ચિંતા હળવી કરવા અને મગજને હળવુંફુલ રાખવા પુસ્તક વાંચન અવશ્ય કરવું જોઈએ.

મનોચિકિત્સકોનું માનવું છે કે, પુસ્તકનું વાંચન વ્યક્તિના માનસિક આરોગ્ય માટે ખૂબ જ લાભદાઈ છે. વાંચનથી મગજમાં રક્તનો પ્રવાહ વધુ સરળ બને  છે,જેથી મગજની પ્રવૃત્તિ વધુ ગતિશીલ બની શકે છે એટલું જ નહીં માનવીની સર્જનાત્મક શક્તિ પણ ખીલી ઊઠે છે.

તેમના જણાવ્યા અનુસાર  વ્યક્તિની લાગણીશીલતામાં પણ વધારો થાય છે, કેમકે પુસ્તક વાંચતી વખતે વાચક આનંદ અને સુખ દુઃખની તમામ લાગણી અનુભવી શકે છે. એટલું જ નહીં, અલગ અલગ ઈમોશન વખતે કેવો વ્યવહાર કરવો તેની સમજ પણ આસાન થઈ જાય છે. સુવાથી પહેલા પુસ્તક વાંચવાથી સારી ઊંઘ આવે છે.  ઉપરાંત સૂતી વખતે વધુ પડતા વિચાર આવત હોય તો તે પણ  અટકી જાય છે.

આ ઉપરાંત પુસ્તક વાંચવાની સારી આદત વ્યક્તિને એકલાપણું મહેસુસ થવા દેતું નથી. વ્યક્તિ પોતાનો સમય પુસ્તકો સાથે વિતાવે ત્યારે એવો અહેસાસ અને પ્રતીતિ કરાવે છે કે પુસ્તક રૂપી મિત્ર સદાય તેની સાથે છે.માનસિક વિજ્ઞાન એવું માને છે કે એકલવાયું જીવન અનેક રોગનું ઘર હોય છે,ત્યારે પુસ્તક વ્યક્તિને માનસિક અને શારીરિક રોગોથી દૂર રાખે છે.

Leave a comment