UPI એ બનાવ્યો રેકોર્ડ

ભારતના યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) એ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. 2 ઓગસ્ટ, 2025ના રોજ, UPIએ 70.7 કરોડ ટ્રાન્ઝેક્શનનો આંકડો પાર કર્યો છે. આ આંકડો અમેરિકાની વસ્તી (લગભગ 35 કરોડ) કરતાં બમણો છે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ X પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી છે. આ આંકડો દર્શાવે છે કે ભારતમાં UPI ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોના ટ્રેન્ડ જોઈએ તો આ સંખ્યા સતત વધી રહી છે. 2023માં એક દિવસમાં 35 કરોડ ટ્રાન્ઝેક્શન થતા હતા. આ પછી, ઓગસ્ટ 2024માં આ આંકડો 50 કરોડ પર પહોંચ્યો હતો.

UPIનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. આ માટે વ્યક્તિએ PhonePe, Google Pay, Paytm, BHIM એપ જેવી UPI એપ્સનો ઉપયોગ કરવો પડે છે.

UPI એપ્સથી પેમેન્ટ કરવા માટે એક વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ (VPA) બનાવવું પડે છે. પેમેન્ટ કરવા અને મેળવવા માટે QR કોડ ઉપરાંત VPA IDનો પણ ઉપયોગ કરી શકાય છે.

UPIથી પેમેન્ટ કરવું માત્ર સરળ જ નથી, પણ મફત પણ છે. તેની મદદથી તમે કોઈપણ મુશ્કેલી વિના એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. જોકે, હવે મોબાઇલ રિચાર્જ વગેરે કરવા પર અમુક ટકા વધારાનો ચાર્જ લાગે છે.

UPIએ હવે વૈશ્વિક પેમેન્ટ જાયન્ટ Visaને પણ પાછળ છોડી દીધું છે. જુલાઈ 2025માં લગભગ 25 લાખ કરોડ રૂપિયાના મૂલ્યના 19.5 અબજ ટ્રાન્ઝેક્શન થયા એટલે કે દરરોજ સરેરાશ 650 મિલિયન ટ્રાન્ઝેક્શન અને કુલ મૂલ્ય લગભગ ₹83,000 કરોડ રહ્યું.

હાલમાં, ભારતમાં થતા તમામ ડિજિટલ પેમેન્ટમાંથી 85% અને વિશ્વના કુલ રિયલ-ટાઇમ પેમેન્ટમાંથી લગભગ 50% હિસ્સો UPI દ્વારા થાય છે. UPI દર મહિને 5-7%ની વૃદ્ધિ અને વાર્ષિક 40%ની વૃદ્ધિ દર્શાવી રહ્યું છે, જે તેને ભવિષ્યનું સૌથી ભરોસાપાત્ર ડિજિટલ પેમેન્ટ માધ્યમ બનાવે છે.

Leave a comment