જી. કે. જન. હોસ્પિ.માં બાળરોગ અને આહાર વિભાગ દ્વારા સ્તનપાન વીકની ઉજવણી

~ માતાઓને સ્તનપાનની વૈજ્ઞાનિક અને સાચી રીત સમજાવાઈ: ધાવણ માતા અને શિશુ માટે ઉત્કૃષ્ટ વિકલ્પ

અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલમાં ઓગસ્ટ માસના પ્રથમ અઠવાડિયામાં ઉજવાતા વિશ્વ સ્તનપાન વીકની બાળરોગ  અને ડાયેટ વિભાગ દ્વારા  બાળકોને  વૈજ્ઞાનિક પધ્ધતિથી કેવી રીતે સ્તનપાન કરાવી શકાય તેની સમજ આપી માતાના દુગ્ધપાનથી બાળકોને થતા લાભ અને માતા તથા તેમના સ્વાસ્થ્ય પર થતી ભાવનાત્મક અસરની વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી.

બાળરોગ વિભાગના હેડ ડૉ રેખાબેન થડાનીએ ૧થી ૭ ઓગસ્ટ દરમિયાન યોજાતા વિશ્વ સ્તનપાન વીક નિમિતે ધાત્રીમાતાઓને ઉદબોધન કરતાં કહ્યું કે,સ્તનપાન માતા અને શિશુ બંને માટે ઉત્કૃષ્ટ વિકલ્પ છે, જે પોષણ પ્રદાન કરે  છે અને સ્વસ્થ્ય સાથે માતા બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ પણ વધારે છે.આ ઉપરાંત તેમણે આસાન પાચન,દીર્ઘકાલિક સ્વાસ્થ્ય લાભ, કેન્સરનો ખતરો ઓછો થાય તેવા ધાવણના લાભો ગણાવ્યા હતા.

આ પ્રસંગે બાળરોગ નિષ્ણાત ડો.સંદીપ તિલવાણી,ડો.યશ્વી દતાણી,ડો.એકતા ઠક્કર,ડો.તરલ કેશરાણીએ માર્ગદર્શન આપ્યું હતું. આ ઉજવણીના પ્રતીક રૂપે માતાઓને ફળ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દરમિયાન હોસ્પિટલના આહાર વિભાગ અંતર્ગત માતાઓને ધાવણની ઉપયોગિતા અને બાળકને દુગ્ધપાનની સમજ આપવા બાળરોગ વોર્ડમાં દાખલ બાળકો અને  માતાઓને ડાયેટિશ્યન સોનુબેન યાદવે વૈજ્ઞાનિક પધ્ધતિથી ધાવણની રીતો પ્રાયોગિક ધોરણે સમજાવી હતી અને રોગપ્રતિકારક શક્તિનો ઉલ્લેખ કરી,તેમણે સંપૂર્ણ આહાર માતાના દૂધમાં રહેલા પોષક તત્વો અંગે માહિતી આપી હતી.

Leave a comment