અદાણી ફાઉન્ડેશન દ્વારા લુણી ખાતે ચેરિયા વાવેતર કરી આંતરરાષ્ટ્રીય મેન્ગ્રોવ દિવસની ઉજવણી કરવામાં આવી

અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા તાલુકાનાં લુણી ખાતે આંતરરાષ્ટ્રીય મેન્ગ્રોવ દિવસ નિમિત્તે મેન્ગ્રોવ (ચેરિયા) વાવેતર કરી ઉજવણી કરવામાં આવી. મેન્ગ્રોવ્સ જમીન અને સમુદ્ર વચ્ચેની અનોખી ઇકોસિસ્ટમ છે. તેઓ જૈવવિવિધતાને ટેકો આપે છે, દરિયાકાંઠાના સમુદાયોનું રક્ષણ કરે છે, ખાદ્ય સુરક્ષામાં વધારો કરે છે અને તોફાન અને ધોવાણ સામે કુદરતી સંરક્ષણ તરીકે કાર્ય કરે છે. આંતરરાષ્ટ્રીય મેન્ગ્રોવ ઇકોસિસ્ટમ દિવસ દર વર્ષે 26 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ મેન્ગ્રોવ ઇકોસિસ્ટમના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને તેમના ટકાઉ સંચાલન, સંરક્ષણ અને ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. આ દિવસ 2015 માં યુનેસ્કો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના ગુજરાત CSR હેડ પંક્તિબેન શાહે મૅન્ગ્રોવના પર્યાવરણીય અને માનવ જીવન માટેના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો તેમજ અદાણી ફાઉન્ડેશન દ્વારા લુણી અને હમીરમોરા દરિયાકિનારે લગભગ 162 હેકટરથી વધુ વિસ્તારમાં ચેરિયાનું વાવેતર કરવામાં આવ્યું છે. જેનાંથી પર્યાવરણ જતન ઉપરાંત માછીમારોને આજીવિકા મળી રહે છે તેવું જણાવ્યું હતું.

માછીમાર સમુદાયના અગ્રણી યાકુબભાઈ માંજલિયાએ જણાવ્યું કે ચેરિયા વાવેતર કરવાથી જમીનનું ધોવાન અટકે છે અને માવજત દ્વારા પર્યાવરણ જતન સાથે અમોને રોજગારી પણ મળી રહી છે. આ પ્રવૃત્તિથી માછીમાર સમુદાય માટે આર્થિક રીતે લાભદાયી બની છે તેમજ પર્યાવરણ સંરક્ષણ માટે પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થા અદાણી ફાઉન્ડેશન ગુજરાત સી.એસ.આર.હેડ પંક્તિબેન શાહનાં માર્ગદર્શન પ્રોજેક્ટ ઓફિસરશ્રી રાધુભાઈ ગોયલએ કર્યું હતું.

Leave a comment