કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જમ્મુ-કાશ્મીર મામલે મોટો નિર્ણય લેવાની તૈયારીમાં હોવાની દિલ્હીમાં અટકળો તેજ થઈ ગઈ છે. ચર્ચા છે કે, જમ્મુ-કાશ્મીરમાં પાંચ ઓગસ્ટે કંઈ મોટું થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (2 ઓગસ્ટે) રાજભવન પહોંચી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત મંગળવારે (5 ઓગસ્ટ) સવારે એનડીએની સંસદીય દળની બેઠક યોજાવાની છે. આ ઘટના ક્રમ વચ્ચે એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે, શું મોદી સરકાર પાંચમી ઓગસ્ટે કંઈક મોટો નિર્ણય લેવાની છે?
અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબુદ કરવાની અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજન કરવાનો નિર્ણય પાંચમી ઓગસ્ટે જ કરાયો હતો, જોકે ત્યારે વરઅષ 2019 હતું. ત્યારથી જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની માંગ ઉઠી રહી છે. આના જવાબમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી સતત કહી રહ્યા છે કે, યોગ્ય સમય આવશે ત્યારે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી દેવાશે.
મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાનો ક્યારે ઈન્કાર કર્યો નથી, પરંતુ તેમણે માત્ર યોગ્ય સમય આવવાની વાત કહી છે, ત્યારે એવો સવાલ થઈ રહ્યો છે કે, શું સમય આવી ગયો છે? કંઈક મોટું થવાની અટકળો શરૂ થઈ ગઈ છે અને સૌથી વધુ ચર્ચા જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની થઈ રહી છે.
ફારુક અબ્દુલ્લાના નિવેદન બાદ પણ આવી અટકળો તેજ થઈ ગઈ છે. તેમણે સોમવારે કહ્યું કે, સરકાર કહે કે, આખરે જમ્મુ-કાશ્મીરને ક્યારે પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે? અબ્દુલ્લાએ કલમ-370 નાબુદ થવાની છઠ્ઠી વર્ષગાંઠના એક દિવસ પહેલા ફરી દરજ્જાની માંગ કરી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ-કાશ્મીરની રાજ્યસભાની બેઠકો પર ચૂંટણી કરાવવાની પણ માંગ કરી છે.
અબ્દુલ્લાએ કહ્યું કે, ‘તેઓ રાજ્યને પૂર્ણ રાજ્યનો દરજ્જો ક્યારે પરત આપવાના છે? તેમણે કહ્યું હતું કે, ચૂંટણી બાદ અને સરકાર બન્યા બાદ દરજ્જો પરત આપી દેવાશે. હવે તે વચનનું શું થયું? હવે તેમનું કહેવું છે કે, વિધાનસભાની બે ખાલી બેઠકો પર ચૂંટણી કરાવશે, પરંતુ રાજ્યસભાની ચાર બેઠકો પર ચૂંટણી ક્યારે યોજાશે? આખરે તેઓ ગૃહમાં લોકોનો અવાજ ઉઠાવવાના અધિકારને કેમ અટકાવી રહ્યા છે?
ડિસેમ્બર 2023માં સુપ્રીમ કોર્ટે કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને માન્ય રાખ્યો હતો. આ સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને “શક્ય તેટલી વહેલી તકે” જમ્મુ અને કાશ્મીરનો રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોંગ્રેસ પાર્ટી પણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે આખા રાજ્યમાં અભિયાન ચલાવી રહી છે. આ તમામ ઘટનાક્રમોથી એવી અટકળો તેજ બની છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આ દિશામાં કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.
આખરે સવાલ એ થાય છે કે, કેન્દ્ર શાસિત પ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો કેવી રીતે મળશે? તેની પ્રક્રિયા શું છે? સૌથી મહત્ત્વની વાત એ છે કે, કેન્દ્ર શાસિત પ્રદેશને રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા માટે સંસદમાં પ્રસ્તાવ લાવવો પડે છે. બંને ગૃહોમાં પ્રસ્તાવ પસાર થયા બાદ રાષ્ટ્રપતિની મહોર વાગ્યા પછી પૂર્વ રાજ્યનો દરજ્જો મળે છે. વર્ષ 2019માં પુનર્ગઠન કાયદો પસાર કરીને જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયો હતો. હવે તે જ બિલમાં સંશોધન કરવાનું રહેશે. આ માટે સંસદમાં નવું સંશોધન વિધેયક રજુ કરવામાં આવશે અને પછી જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે.
