તૃણમૂલ કોંગ્રેસ (TMC) પાર્ટીના સાંસદ કલ્યાણ બેનરજીએ સોમવારે (4 ઓગસ્ટ) લોકસભામાં ટીએમસીના ચીફ વ્હિપ પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે સાંસદ મહુઆ મોઈત્રા સાથે વિવાદ અને કીર્તિ આઝાદ સાથે ઝઘડાની ઘટના બાદ આ નિર્ણય લીધો છે. કલ્યાણ બેનરજીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની અધ્યક્ષતામાં ટીએમસી સાંસદોની વર્ચ્યુઅલ બેઠક યોજાયા બાદ રાજીનામું આપ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ટીએમસીના ચીફ વ્હિપ પદ પરથી રાજીનામું આપ્યાના થોડા સમય બાદ કલ્યાણ બેનરજી પોતાના નિર્ણય પર ફેરવિચારણા કરી શકે છે. તેમણે પહેલેથી જ ટીએમસીના ટોચના નેતાઓ સાથે સંપર્ક કર્યો છે. રાજીનામા બાદ બેનરજીએ કહ્યું કે, ‘હું લોકસભામાં પાર્ટીનું ચીફ વ્હિપ પદ છોડી રહ્યો છું, કારણ કે દીદી (મુખ્યમંત્રી મમતા બેનરજી)એ વર્ચ્યુઅલ બેઠકમાં કહ્યું હતું કે, પાર્ટીના સાંસદોમાં સંકલનનો અભાવ છે, જેનો દોષ મારી પર ઢોડવામાં આવ્યો છે. તેથી મેં પદ છોડવાનો નિર્ણય લીધો છે.
કલ્યાણ બેનરજી અને પોતાની જ પાર્ટીના સાંસદ મહુઆ મોઈત્રા વચ્ચે વારંવાર વિવાદ થતો હતો. તાજેતરમાં જ બેનરજીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર એક પોસ્ટ કરીને મોઈત્રાની ટીકા કરી હતી. તેમણે પોસ્ટમાં મહુઆએ પોડકાસ્ટમાં તેમના વિરુદ્ધ ઉપયોગ કરેલી અમર્યાદિત ભાષાથી વાંધો ઉઠાવ્યો હતો. બેનરજીએ લખ્યું હતું કે, ‘મહુઆ મોઈત્રાએ તાજેતરમાં જ એક જાહેર પોડકાસ્ટમાં કરેલી વ્યક્તિગત ટિપ્પણી પર મેં ધ્યાન આપ્યું છે. મહુઆએ કરેલી ટિપ્પણીમાં સુઅર જેવા અમાનવીય શબ્દો સામેલ છે, જે દુર્ભાગ્યની વાત છે. તેમના આ શબ્દો સભ્ય સંવાદના નિયમોની ઊંડી અવગણના દર્શાવી રહ્યા છે.’
તેમણે વધુમાં લખ્યું હતું કે, ‘જે લોકો જવાબની જગ્યાએ અપશબ્દોનો ઉપયોગ કરે છે, તેમણે તે વાત પર ધ્યાન આપવું જોઈએ કે, તેઓ કોઈક રીતે રાજકારણ કરી રહ્યા છે. જ્યારે જનપ્રતિનિધિ અપશબ્દો અને અસભ્ય વ્યંગ કરે છે, તે તાકાત નહીં, પરંતુ અસુરક્ષા દર્શાવે છે.
કલ્યાણ બેનર્જી અને મહુઆ મોઈત્રા બંને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના પ્રભાવશાળી અને વિવાદાસ્પદ નેતાઓ છે, જેઓ પશ્ચિમ બંગાળના રાજકારણમાં સક્રિય છે. તેઓ તેમના આક્રમક વલણ અને સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતા છે. તાજેતરમાં, તેઓ બંને એકબીજા પર કરેલી ટિપ્પણીઓને કારણે પણ ચર્ચામાં રહ્યા છે. કલ્યાણ બેનર્જી ડિસેમ્બર 2023માં સંસદની બહાર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની નકલ કરવા બદલ વિવાદમાં ફસાયા હતા. આ ઘટના બાદ ભારે રાજકીય હંગામો થયો હતો. તાજેતરમાં, તેમણે કોલકાતામાં એક ગેંગરેપ કેસ અંગે નિવેદન આપ્યું હતું, જેની તેમના જ પક્ષના નેતા મહુઆ મોઈત્રાએ ટીકા કરી હતી. તેના જવાબમાં, બેનર્જીએ મહુઆ મોઈત્રાના અંગત જીવન અને લગ્ન પર આક્રમક ટિપ્પણીઓ કરી હતી, જેના કારણે બંને વચ્ચેનો આંતરિક મતભેદ સપાટી પર આવ્યો હતો.
ડિસેમ્બર 2023માં ‘કેશ-ફોર-ક્વેરી’ (પૈસા લઈને સંસદમાં સવાલો પૂછવા)ના આરોપોને કારણે મહુઆ મોઈત્રા લોકસભામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જોકે, તેમણે આ આરોપોને રાજકીય બદલો ગણાવ્યા હતા અને 2024ની લોકસભા ચૂંટણીમાં ફરીથી જીત મેળવીને સંસદમાં પાછા ફર્યા છે. મહુઆ મોઈત્રા તેમના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહ્યા છે. તાજેતરમાં, તેમના લગ્ન બળવાખોર નેતા અને વરિષ્ઠ વકીલ પિનાકી મિશ્રા સાથે થયા હતા, જે અંગે કલ્યાણ બેનર્જીએ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી.
