તહેવારો પહેલા હોમ લોન અને વાહનોની EMIમાં રાહતની શક્યતા

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની દ્વિમાસિક બેઠક આજથી શરુ થઈ છે. 6 ઑગસ્ટના રોજ આરબીઆઇ ગવર્નર સંજય મલ્હોત્રા રેપો રેટ મુદ્દે જાહેરાત કરશે. મોટાભાગના નિષ્ણાતો માને છે કે, આરબીઆઇ વર્તમાન પરિબળોને ધ્યાનમાં રાખતા વ્યાજના દરમાં ઘટાડો કરી શકે છે.

અમેરિકાએ હાલમાં જ ભારતની નિકાસ પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે, અમેરિકાના ટેરિફના કારણે નિકાસ પ્રભાવિત થઈ શકે છે. સમગ્ર આર્થિક ગતિવિધિઓ મંદ થાય તેવી ભીતિ વચ્ચે આરબીઆઇ પાસે ઓછામાં ઓછા 25 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરવાનો વિકલ્પ છે. જો વ્યાજના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો તો હોમ લોન અને ઓટો લોનધારકોને મોટી રાહત મળશે. એમસીએલઆર રેટ પર લોન લેનારાઓ પર ઈએમઆઇનો બોજો ઘટશે.

એસબીઆઇ રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યું છે કે, મોંઘવારીમાં ઘટાડો તેમજ વૈશ્વિક અનિશ્ચિતતાઓને ધ્યાનમાં લેતાં આરબીઆઇ દ્વારા રેપો રેટમાં 25 બેઝિસ પોઇન્ટનો ઘટાડો થઈ શકે છે. જેનાથી ઈકોનોમી ગ્રોથ વેગવાન બનશે. જો વ્યાજદરમાં ઘટાડો થાય તો ક્રેડિટ ગ્રોથને વેગ મળશે. વધુમાં તહેવારોની શરુ થઈ રહેલી સીઝનનો પણ લાભ મળશે. ઐતિહાસિક ધોરણે ફેસ્ટિવ સીઝન શરુ થાય તે પહેલાં જ વ્યાજના દરોમાં ઘટાડો કરવામાં આવે છે. જેથી ક્રેડિટ ગ્રોથને વેગ મળે છે. આરબીઆઇ પોલીસી મેકર્સ પણ ઇતિહાસને જાળવી રાખતાં આગળ વધશે.

રિપોર્ટમાં સૂચવવામાં આવ્યું છે કે આરબીઆઇ પોલીસી મેકર્સે કામગીરીમાં વિલંબ કરી વર્તમાન અસરકારક તકોને ગુમાવવી જોઈએ નહીં. બેકલોડિંગ અથવા ટાઇપ II ભૂલો કરવાનો કોઈ અર્થ નથી.

કેરએજ રેટિંગ્સ અનુસાર, અનુકૂળ આધાર અને ખાદ્ય ઉત્પાદનોના ભાવમાં ઘટાડાને કારણે આગામી બે ત્રિમાસિકમાં ભારતનો મુખ્ય ફુગાવાનો દર રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના 4 ટકાના લક્ષ્યાંકથી નીચે રહેવાની ધારણા છે. નજીકના ગાળામાં ફુગાવો ઓછો રહેવાની શક્યતા છે, પરંતુ તે ત્રીજા ત્રિમાસિકથી વધી શકે છે અને ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિકમાં જ્યારે આધાર અસર ઓછી થશે ત્યારે 4 ટકાનું લેવલ ક્રોસ કરી શકે છે.

Leave a comment