કચ્છના ભચાઉ તાલુકામાં વોન્ધથી રામદેવપીર તરફ જતા નેશનલ હાઈવે પર સોમવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ગાંધીધામ તરફથી આવતું કન્ટેનર ટ્રેલર (નંબર: GJ-12-BT-6599) અચાનક નિયંત્રણ ગુમાવતાં બે બ્રિજની વચ્ચેની ખાલી જગ્યા પર દીવાલ તોડી લટકી પડ્યું. અકસ્માતની ગંભીરતા એવી હતી કે કન્ટેનર ડિવાઈડર પર ચઢી ગયું હતું અને બ્રિજ વચ્ચે લટકતું રહી ગયું હતું. આ દુર્ઘટનામાં સદભાગ્યે ડ્રાઈવરનો ચમત્કારી બચાવ થયો છે.
અકસ્માતના પગલે અહીંથી પસાર થતા લોકોએ સ્થાનિક તંત્રને જાણ કરી હતી. સૂચના મળતાં જ સ્થાનિક તંત્ર દ્વારા ઘટનાસ્થળે પહોંચી કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલ ક્રેન વડે ટ્રેલરને બહાર ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અકસ્માતને કારણે હાઈવે પર વાહનોની અવરજવર પ્રભાવિત થઈ છે. સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા સંભાળવામાં આવી રહી છે. અધિકારીઓ અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ કરી રહ્યા છે.
