અદાણી ફાઉન્ડેશન દ્વારા અબડાસા અને લખપતના ૧૪ ગામોમાં ૨૧૯૭ જેટલાં પશુઓને ગળસુંઢા રોગનું રસીકરણ કરવામાં આવ્યું

જો પશુઓને જીવલેણ રોગો સામે સુરક્ષા માટે સમયસર રસીકરણ ન કરવામાં આવે તો પશુપાલકોને આર્થિક રીતે મોટો ફટકો પડે છે. પશુ મરણ પામે અથવા ઉત્પાદકતા ઓછી થઈ જાય છે. જેના લીધે પશુપાલકને બેવડો માર પડે છે. આ વિસ્તારની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત એ પશુપાલન છે ત્યારે આ બાબતને હળવાશથી લેવી પરવડે તેમ નથી.

આ બાબતને ધ્યાને લઈને સાંઘીપુરમની આજુબાજુના અબડાસા અને લખપતના ૧૪ ગામો જેમાં પીપર, નરેડો, પખો, ગુનાઉ, બરંદા, જાડવા, થુમડી, વાલાવારી વાંઢ, નાની બેર, મોટી બેર, ભંગોડીવાંઢ, રોહારો, હોથીયાય અને ગોલાય ગામને આવરી લઈને ૨૧૯૭ ભેંશવર્ગનાં પશુઓને ગળસુંઢાની રસી આપવામાં આવેલ.

આ ગામોમાં આગલે દિવસે ગામનાં માલધારીઓને જાણ કરી બીજે દિવસે વહેલી સવારે ૬:૩૦ વાગેથી ૧૦ થી ૧૧ વાગ્યા સુધીના સમયગાળામાં દરરોજ એક થી બે ગામને આવરી લઈને સાત દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવેલ. આ રસીકરણ માટે અદાણી ફાઉન્ડેશનની ટીમ દ્વારા ગ્રામ કક્ષાએ સમગ્ર વ્યવસ્થા ગોઠવી. આ માટે નાયબ પશુપાલન નિયામક ( ઇન્ચાર્જ ) ડો. નાથાણી સાહેબના માર્ગદર્શનથી બંને તાલુકાનાં વેટનરી ઓફિસર ડો.શેરસિંહ ચૌહાણસાહેબ તથા  નલિયા તથા દયાપરના લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર દર્શનભાઈ સોજીત્રા, યજ્ઞેશભાઈ કુબાવત,  પુષ્પરાજ ઘમસાણીયા, હેમલભાઈ પટેલ, સંદીપસિંહજી સોઢા વગેરે  એ પોતાની સેવા આપી હતી.

રોહારો ગામનાં તાલુકા પંચાયતના સદસ્ય અને અગ્રણી અલીભાઇ લાખાભાઇ કેરે કહ્યું કે “ જો આ ગળસુંઢાની રસી સમયસર ન મળે તો પશુ ગુમાવવું પડે છે. પશુ દવાખાનું નલિયા અને દયાપરના અધિકારીઓએ સમયસરની  તકેદારી દાખવીને આ વિસ્તારમાં સામાજિક ઉત્તરદાયિત્વ ફરજ બજાવતા અદાણી ફાઉન્ડેશન દ્વારા આ કામ કરીને મૂંગા પશુઓને પીડા ભોગવવી ન પડે તેવી કામગીરી કરી છે. જ્યારે જાડવા ગામનાં સરપંચ ભોજાભાઈ પેનાભાઈ રબારીએ ગામવતી કહ્યું કે મૂંગા પશુઓની ધા સાંભળીને અમારું આ સારું કામ કરી આપ્યું. વાલાવારી વાંઢ ગામનાં કાસમભાઈ જતે કહ્યું કે અમે આ ગામડાંઓમા મોટે ભાગે ભેંશોનું જ પાલન કરીએ છીએ, એટલે રસીકરણ વધારે જરૂરી છે. નહિતર અમારે પશુધન ગુમાવવાનો વારો આવે છે.

મોટી બેર જુથ ગ્રામ પંચાયતના સરપંચ હાજી ઈસ્માઈલભાઈ કેરે જણાવ્યું  કે “ અમારી માંગણીને ધ્યાને લઈને આ કામ સરકારશ્રી તથા અદાણી ફાઉન્ડેશન બંને એ સાથે મળીને  પશુઓને ઉપયોગી એવી  રસીકરણની કામગીરી કરી છે. “ જ્યારે નરેડો ગામનાં રબારી ખોડાભાઈ એ એક માલધારી હોવાને નાતે પોતાનો રાજીપો વ્યક્ત કરતાં કહ્યું કે “ અમે ભેશુંમાં જ્યારે રોગ આવી જાય ત્યારે જાગીએ પણ આ વખતે અમારા પશુઓને સમયસર રસીકરણ થયું એ આ અંતરિયાળ વિસ્તાર માટે સારી બાબત છે.

આ વિસ્તારનાં પશુઓને રસીકરણ માટેનું સંકલન અને ગ્રામકક્ષાએ વ્યવસ્થાપન અદાણી ફાઉન્ડેશનના સામાજિક કાર્યકર નિશાંતભાઈ જોશી તથા ભાવેશભાઈ એરડા એ સિનિયર પ્રોજેકટ ઓફિસર પ્રકાશભાઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ.   

Leave a comment