રાપરના બેલા નજીક 3.3ની તીવ્રતાનો ભૂકંપ

કચ્છ જિલ્લામાં છેલ્લા એક પખવાડિયાથી ભૂકંપના આફ્ટરશોકની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આજે સવારે 9.45 મિનિટે રાપરના રણ સરહદે આવેલા બેલા ગામથી 16 કિલોમીટર દૂર 3.3ની તીવ્રતાનો મધ્યમ કક્ષાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

આ આંચકાથી સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સતત આવી રહેલા ભૂકંપના આંચકાઓથી કચ્છવાસીઓમાં ચર્ચા સાથે ચિંતાનો માહોલ છે. જોકે આ આંચકાઓના કારણે કોઈ પણ સ્થળે જાનમાલની નુકસાની થઈ નથી.

છેલ્લા 10 દિવસમાં આવેલા ધરતીકંપના આંચકાઓની વિગતો જોઈએ તો આજે સવારે 9.52 મિનિટે આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના બેલા ગામ પાસે 3.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો. તા. 29ના રોજ ખાવડાથી પાકિસ્તાન સરહદે 3.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

તા. 27ના રોજ ધોળાવીરા પાસે 3ની તીવ્રતા ધરાવતો આંચકો આવ્યો હતો. તા. 22ના રોજ ખાવડાથી 20 કિમી દૂર ગોરા ડુંગર પર નવી ફોલ્ટલાઈન પર 4ની તીવ્રતા સાથેનો આંચકો આવતા આસપાસનો વિસ્તાર કંપી ઉઠ્યો હતો.

ગાંધીનગર સ્થિત સિસમોલોજી રિસર્ચ કચેરી ખાતે આ તમામ આંચકાઓ નોંધાયા છે. હાલ કચ્છ ભૂસ્તર વિભાગ દ્વારા નવી ફોલ્ટ લાઈન સહિતના સ્થળે ભૂગર્ભની વધતી હલચલ અંગે સંશોધન હાથ ધરવામાં આવ્યું છે.

Leave a comment