કેન્દ્રીય કર્મચારીઓ દ્વારા કાગડોળે રાહ જોવાઈ રહેલા આઠમા પગાર પંચ વિશે સંસદ ગૃહમાં મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે મોનસૂન સત્ર દરમિયાન રાજ્યસભામાં આઠમા પગાર પંચ વિશે પૂછાયેલા સવાલોના જવાબ આપતાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ મહત્ત્વની જાણકારી આપી હતી.
પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકારે આઠમા પગાર પંચ(CPC)ની રચનાનો નિર્ણય લઈ લીધો છે. પ્રમુખ હિતધારકો પાસે તેની ભલામણો મંગાવવામાં આવી છે. તેનું સત્તાવાર નોટિફિકેશન ટૂંકસમયમાં જાહેર કરવામાં આવશે. રક્ષા મંત્રાલય, ગૃહ મંત્રાલય, કર્મચારી અને તાલીમ વિભાગ તથા રાજ્યો સહિતના પ્રમુખ હિતધારકો પાસે ભલામણો મંગાવી છે. તેઓએ નિર્ધારિત સમય મર્યાદાની અંદર ભલામણો આપવાની રહેશે.
દેશના 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ આઠમા પગાર પંચની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. વર્તમાનમાં સાતમું પગાર પંચ લાગુ છે. જેનો સમયગાળો ડિસેમ્બર, 2025માં પૂર્ણ થવાનો છે. દર 10 વર્ષે નવા પગાર પંચની રચના કરવામાં આવે છે. જે તે સમયની આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સના પગાર તથા પેન્શનમાં સંશોધન થાય છે. આ વર્ષે જાન્યુઆરીમાં આઠમા પગાર પંચની જાહેરાત થઈ હતી.
આઠમા પગાર પંચની ભલામણો વર્ષ 2026ના મધ્ય સુધી લાગુ થઈ શકે છે. પંચ ફિટમેન્ટ ફેક્ટરના આધારે પગારમાં વધારો કરી શકે છે. જેનાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વૃદ્ધિ થશે. કોટક ઇન્સ્ટીટ્યુશનલ ઈક્વિટીઝ દ્વારા તાજેતરમાં જાહેર રિપોર્ટ અનુસાર, આઠમા પગાર પંચનું ફિટમેન્ટ ફેક્ટર 1.8 રહી શકે છે. જેનાથી બેઝિક પે આશરે 13 ટકા સુધી વધી શકે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં વાસ્તવિક વધારો સંપૂર્ણપણે કમિશન તરફથી ભલામણ કરવામાં આવેલા ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ભર હોય છે. જેની મદદથી કર્મચારીઓના બેઝિક પેની ગણતરી કરવામાં આવે છે.
