50 વર્ષના વિઝન સાથે અંબાજી યાત્રાધામ 1632 કરોડના ખર્ચે ‘મોડેલ ટેમ્પલ ટાઉન’ બનશે

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના વિકાસ માટે રાજ્ય સરકારે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ યોજના અંતર્ગત અંબાજી મંદિરથી ગબ્બર સુધી ભવ્ય ‘શક્તિ કૉરિડોર’નું નિર્માણ કરવામાં આવશે, જે આગામી 50 વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અનેક નવી સુવિધાઓ પૂરી પાડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ માસ્ટર પ્લાનના અમલીકરણ પર સીધી દેખરેખ રાખી રહ્યા છે.

અરવલ્લીની પર્વતમાળામાં આવેલું અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક સમા શ્રી અંબાજીમાતા મંદિર હવે ‘મૉડેલ ટેમ્પલ ટાઉન’ તરીકે વિકસાવવામાં આવશે. રાજ્ય સરકારે આ માટે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ યોજનાનું અમલીકરણ બે તબક્કામાં થશે, જેનો પ્રથમ તબક્કો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા આ 50 વર્ષીય વિઝન પ્લાનનું કેન્દ્રબિંદુ ગબ્બર પર્વત (જ્યાં દેવી સતીનું હૃદય હોવાનું મનાય છે) અને અંબાજી માતાનું વિશા યંત્ર સ્થાન છે. માસ્ટર પ્લાન હેઠળ આ બંને પવિત્ર સ્થળોને ભવ્ય અને દિવ્ય રીતે જોડવામાં આવશે.

મુખ્ય આકર્ષણો:

  • શક્તિ કૉરિડોર’: અંબાજી મંદિર અને ગબ્બરને જોડતો આ મુખ્ય કોરિડોર ગબ્બર પર્વત, મંદિર અને માનસરોવરને એક સંકલિત નેટવર્કથી જોડશે. શક્તિપથ દ્વારા વિશાળ શક્તિ ચોક ગબ્બર દર્શન ચોક સાથે જોડાશે.
  • ચાચર ચોકનું વિસ્તરણ: યાત્રાળુઓના સુરક્ષિત અને સરળ પ્રવાહ માટે ચાચર ચોકનું ત્રણ ગણું વિસ્તરણ કરવામાં આવશે.
  • ઇવેન્ટ પ્લાઝા અને ગરબા મેદાન: સતી સરોવર અને સતી ઘાટ વિસ્તારમાં તહેવારો અને મેળાઓ માટે ઇવેન્ટ પ્લાઝા અને ગરબા મેદાન વિકસાવાશે.
  • યાત્રી નિવાસ અને સુવિધાઓ: શ્રદ્ધાળુઓ માટે યાત્રી નિવાસ સુવિધા, મલ્ટી લેવલ કાર પાર્કિંગ, અને દિવ્ય દર્શન પ્લાઝાનો સમાવેશ થાય છે.
  • આધ્યાત્મિક કેન્દ્ર: હાલની તમામ સુવિધાઓના પુનર્વિકાસ સાથે અંબાજીને એક અદ્યતન આધ્યાત્મિક કેન્દ્ર બનાવવામાં આવશે.
  • પૌરાણિક કથાઓનું પ્રદર્શન: શક્તિ કોરિડોરમાં ગબ્બર પર્વત સાથે જોડાતી ગેલેરીઓ, પ્રદર્શન સ્થળો અને પૌરાણિક વાર્તાઓ દર્શાવતા ભીંતચિત્રો યાત્રાળુઓને ભાવનાત્મક રીતે જોડશે.
  • ટેકનોલોજીનો ઉપયોગ: માતા સતીનું હૃદય સ્થળ ગબ્બર ખાતે ‘જ્યોત’ અને અંબાજી મંદિર ખાતે ‘વિશા યંત્ર’ જેવા મુખ્ય દિવ્ય સ્થળો વચ્ચે સુવ્યવસ્થિત, સુરક્ષિત અને સુલભ જોડાણ સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરાશે.

પ્રથમ તબક્કો (અંદાજે રૂ. 950 કરોડ): અંબાજી મંદિર અને ગબ્બરને જોડતો શક્તિ કૉરિડોર, દેવી સતી સંબંધિત પૌરાણિક કથાઓ સાથે અંબાજી મંદિરના વિસ્તારનું વિસ્તરણ, મંદિર તરફ અંડરપાસ, આગમન માટે અંબાજી ચોકનો વિકાસ, પગપાળા માર્ગ દ્વારા મુખ્ય માર્ગનું સંચાલન, મલ્ટી લેવલ કાર પાર્કિંગ તથા યાત્રી ભવન, દિવ્ય દર્શન પ્લાઝા અને શક્તિ પથ, સતી ઘાટ વિસ્તાર વિકાસ તથા ગબ્બર આગમન પ્લાઝા (લાઇટ એન્ડ સાઉન્ડ શો)નો સમાવેશ થાય છે.

બીજો તબક્કો (અંદાજે રૂ. 682 કરોડ): ગબ્બર મંદિર અને પરિસર વિકાસ, અંબાજી મંદિર અને માનસરોવરના વિસ્તાર વિકાસ તથા સતી સરોવર વિકાસ કાર્યો કરાશે.

આ માસ્ટર પ્લાન અંબાજી યાત્રાધામને વૈશ્વિક કક્ષાનું આધ્યાત્મિક અને પર્યટન સ્થળ બનાવશે, જે ભક્તોને અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરશે.

Leave a comment