બાંગ્લાદેશ વાયુસેનાનું એક ટ્રેઇની વિમાન ઢાકામાં એક શાળા પર ક્રેશ થયું છે. એપીના અહેવાલ મુજબ, આ અકસ્માતમાં અત્યારસુધીમાં 19 લોકોનાં મોત થયાં છે. અકસ્માત સમયે ક્લાસ ચાલી રહ્યા હતા. બાંગ્લાદેશી સેનાએ વાયુસેનાના F-7 BGI વિમાનના ક્રેશ વિશે માહિતી આપી છે. આ વિમાન ચીનમાં બનેલું હતું.
આ અકસ્માતમાં 164થી વધુ લોકો ઘાયલ થયા છે. 60થી વધુ ઘાયલોને બર્ન ઇન્સ્ટિટ્યૂટમાં રિફર કરવામાં આવ્યા છે. એ જ સમયે ઓછા ઇજાગ્રસ્ત ઘણા લોકોની ઉત્તરા મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે.
ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ઘણા ઘાયલ બાળકોને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. સરકારે રાજકીય શોકની જાહેરાત કરી છે.
F-7BGI બાંગ્લાદેશ એરફોર્સ(BAF)નું મલ્ટીરોલ એટલે અનેક કામ કરનારું ફાઇટર જેટ છે. આ ચીનના ચેંગદુ J-7 ફાઇટરનું એડવાનવ્સ વર્ઝન છે, જે સોવિયત યુનિયનના MiG-21 પર આધારિત છે.
BAFને 2011 અને 2013ની વચ્ચે 16થી 36ની સંખ્યામાં આ ફાઇટર વિમાન મળ્યું. એને થંડરકેટ સ્ક્વોડ્રનમાં એક વચગાળાના (કામચલાઉ) ઉકેલ તરીકે સામેલ કરવામાં આવ્યું.
