જાપાનની ચૂંટણીમાં વડાપ્રધાન ઈશિબાના ગઠબંધનની હાર

જાપાનમાં સંસદની ચૂંટણીમાં વડાપ્રધાન શિગેરૂ ઈશિબાના સત્તાધારી ગઠબંધનની હાર થઈ છે. સંસદ ‘ડાયટ’ના ઉપલા ગૃહ ‘હાઉસ ઓફ કાઉન્સેલર’માં રવિવારે 249 બેઠકોમાંથી 124 બેઠકો માટે મતદાન થયું હતું, જેમાં ઈશિબાની પાર્ટી હારી ગઈ છે. દેશમાં 1955 બાદ પ્રથમવાર સત્તાધારી લિબરેશન ડેમોક્રેટિક પાર્ટી (LDP)એ બંને ગૃહોમાં બુહમતી ગુમાવી દીધી છે. જાપાનની સરકારી મીડિયાના રિપોર્ટ મુજબ, શિગેરુ ઈશિબા (PM Shigeru Ishiba)ની એલડીપી અને સાથી ગઠબંધન કોમેઈતોએ બહુમતી મેળવવા માટે 124 બેઠકોમાંથી 50 બેઠકો જીતવી જરૂરી હતી, જોકે ગઠબંધન માત્ર 46 બેઠકો જીતી શક્યું છે. ગઠબંધન પાસે અગાઉની 70 બેઠકો છે.

આ પહેલા નીચલા ગૃહમાં પણ ચૂંટણી યોજાઈ હતી, તેમાં પણ વડાપ્રધાન ઈશિબાના ગઠબંધનની હાર થઈ છે. ગઠબંધને બંને ગૃહોમાં બહુમતી ગુમાવી દીધી છે. 1955માં એલડીપીની સ્થાપના થઈ હતી, ત્યારબાદ પાર્ટીએ 2025ની ચૂંટણીમાં બંને ગૃહોમાં બહુમતી ગુમાવી દીધી હોય તેવું પ્રથમવાર બન્યું છે. હાર થયા બાદ ઈશિબાએ આર્થિક પડકારોને પહોંચી વળવા માટે પદ પર રહેવા જેવી વાતો કહી છે. ઉપલા ગૃહમાં બહુમતી ગુમાવ્યા બાદ સરકારમાં તાત્કાલીક ઉલટફેર નહીં થાય, કારણ કે ઉપલા ગૃહનાં કોઈપણ નેતા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો અધિકાર નથી.

બંને ગૃહોમાં હાર બાદ પીએમ ઈશિબાએ કહ્યું કે, ‘હું સત્તામાં રહી વર્તમાન પ્રમુખ તરીકે મારી જવાહદારીઓ નિભાવીશ. હું દેશ માટે અને અમેરિકન ટેરિફ સંકટ જેવા પડકારોને પહોંચી વળવા માટે વધુ કામ કરીશ. આ ખૂબ જ આઘાતજનક સ્થિતિ છે અને હું હારનો સ્વિકાર કરું છું. મારી પાર્ટીના ખરાબ પ્રદર્શનના કારણે હારનો સામનો કરવો પડ્યો છે. અમારી સરકારે મોંઘવારી માટે પગલા ભર્યા હતા, જોકે લોકોને હજુ તેનો ફાયદો મળ્યો નથી.

હાર છતાં ઈશિબા સરકારમાં તાત્કાલીક ફેરફાર નહીં થાય, કારણ કે ગૃહના કોઈપણ નેતા વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાનો અધિકાર નથી. ઈશિબા પહેલાના ત્રણ એલડીપી વડાપ્રધાને બહુમતી ગુમાવી હતી, ત્યારે તેઓએ બે મહિનાની અંદર રાજીનામું આપ્યું હતું. જોકે ઈશિબાના રાજીનામાં અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. જો ઈશિબા પદ છોડશે તો તેમના સ્થાને કોણ આવશે, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.’ ઈશિબાએ વડા પ્રધાન પદ છોડવાનો હાલ કોઈ ઇરાદો જાહેર કર્યો નથી, પરંતુ તેમની પાર્ટીની અંદરથી નેતૃત્વ બદલવાની માંગ ઉઠી રહી છે. જાપાનમાં રાજકીય સ્થિતિ હાલમાં અસ્થિરતાના તબક્કામાં છે, જ્યાં સત્તારૂઢ LDP-કોમેઇટો ગઠબંધન ઉપલા ગૃહમાં બહુમતી ગુમાવ્યા બાદ દબાણ હેઠળ છે. આગામી સમયમાં જાપાનની રાજનીતિમાં વધુ ફેરફારો જોવા મળી શકે છે.

શિગેરુ ઇશિબા જાપાનના વર્તમાન વડાપ્રધાન છે. તેઓ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા છે. સપ્ટેમ્બર 2024માં પૂર્વ વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાના રાજીનામા બાદ ઈશિબાને LDP ના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ વડાપ્રધાન બન્યા હતા. જાપાનમાં હાલમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટી અને તેના ગઠબંધન સહયોગી કોમેઇટો (Komeito)ની સરકાર છે. LDP જાપાનની રાજનીતિમાં લાંબા સમયથી પ્રભુત્વ ધરાવતી પાર્ટી છે. 

Leave a comment