ભારતના નાના ક્રીએટર્સ માટે યૂટ્યુબની નવી પહેલ

યૂટ્યુબ દ્વારા ઇન્ડિયા માટે એક નવું ફીચર ‘હાઇપ’ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર નાના ક્રીએટર્સ માટે છે જેઓ વધુ લોકો સુધી પહોંચી શકે. આ ફીચર ખાસ કરીને 500થી લઈને 5,00,000 સબ્સ્ક્રાઇબર્સ ધરાવતા ક્રીએટર્સ માટે છે. હાઇપની મદદથી વ્યૂઅર્સ લાઈક અને શેર કરવાની સાથે કન્ટેન્ટને પ્રમોટ પણ કરી શકશે. આ પ્રમોટ કરવાથી કન્ટેન્ટ બનાવનારને વધુ વ્યૂઝ મળી શકે છે.

વ્યૂઅર્સ દ્વારા જ્યારે વીડિયોને હાઇપ કરવામાં આવશે ત્યારે વીડિયોને પોઈન્ટ મળશે. વીડિયોને જેટલા પોઈન્ટ મળશે એટલું વધુ તે યૂટ્યુબના લીડરબોર્ડ પર અને એક્સપ્લોર ટૅબમાં જોવા મળશે. વ્યૂઅર્સ કોઈ પણ વીડિયોને એક અઠવાડિયામાં ત્રણ વાર હાઇપ કરી શકશે અને એ પણ કોઈપણ પૈસા વગર. આ લીડરબોર્ડ પર જે વીડિયો જોવા મળશે એ યૂટ્યુબના હોમ પેજ પર જોવા મળે એના ચાન્સ ખૂબ જ વધી જશે. આ સાથે જ એ વીડિયો પર એક સ્પેશિયલ બેજ આપવામાં આવશે જેનાથી એ ખબર પડશે કે અન્ય ચાહકોમાં એની પોપ્યુલારિટી ખૂબ જ વધુ છે.

યૂટ્યુબ પર જેના ફોલોઇંગ વધુ એને વધુ વ્યૂઝ મળે છે અને એનું કન્ટેન્ટ પહેલાં આવે છે. આથી નવા ક્રીએટર્સને ઉપર અથવા તો આગળ આવવાનો ચાન્સ નથી મળતો. આથી નવા ક્રીએટર્સ, નાના ક્રીએટર્સ અને મોટા ક્રીએટર્સ દરેક માટે યૂટ્યુબ એક સરખી તક પૂરી પાડે એ માટે કોશિશ કરવામાં આવી રહી છે. આ માટે યૂટ્યુબ બોનસ સિસ્ટમ કાઢી રહી છે. એનો મતલબ એ છે કે નાના ક્રીએટર્સના વીડિયો જ્યારે હાઇપ થશે ત્યારે તેમને વધુ બોનસ પોઈન્ટ મળશે. કંપનીનું કહેવું છે કે આમ કરવાથી દરેકને ડિસ્કવરી ફીડમાં આવવાની એકસરખી તક મળશે અને દરેક વાયરલ થઈ શકે છે.

ભારતમાં આ ફીચર લોન્ચ કરવા પહેલાં એને ટર્કી, ટાઈવાન અને બ્રાઝિલમાં ટેસ્ટ કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટિંગના પહેલાં અઠવાડિયામાં જ ખૂબ જ સારું રિઝલ્ટ મળ્યું હતું. 50,000થી વધુ ચેનલને પચાસ લાખથી વધુ હાઇપ મળ્યા છે. આથી હવે ભારતના નાના-નાના ક્રીએટર્સ જેવા કે કૂકિંગ, ગેમિંગ, મ્યુઝિક અને મેઈકઅપ જેવા વીડિયો બનાવનાર વધુ દર્શકો સુધી પહોંચી શકે છે.

Leave a comment