પહલગામ આતંકી હુમલામાં વધુ એક ખુલાસો

પહલગામ આતંકી હુમલાની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, આ જઘન્ય કૃત્ય બાદ આતંકવાદીઓએ હવામાં ગોળીબાર કરી ઉજવણી કરી હતી. સુરક્ષા એજન્સીઓના સૂત્રોએ જણાવ્યા અનુસાર, બૈસરન ખીણમાં હુમલો કરનારા ત્રણ આતંકવાદીઓએ પોતાની ગોળીથી 26 નિર્દોષોને વીંધ્યા બાદ હવામાં ગોળીબાર કરી ઉજવણી કરી હતી. આ મામલે એક પ્રત્યક્ષદર્શીએ આ અંગે ખુલાસો કર્યો હતો. 

એનઆઈએ માટે મહત્ત્વપૂર્ણ ગુપ્ત સ્રોત ગણાતા પ્રત્યક્ષદર્શીએ આ ઘટનાક્રમ વિશે માહિતી આપી હતી. જે અનુસાર, એનઆઈએએ બે સ્થાનિક લોકોની ધરપકડ કરી હતી. આ લોકોએ આતંકવાદીઓને લોજિસ્ટિક સહાયતા પૂરી પાડી હતી. આ પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, પહલગામ આતંકી દુર્ઘટના બાદ આતંકવાદીઓએ હવામાં ગોળીબાર કરી ઉજવણી કરી હતી. બાદમાં તેઓ ત્યાંથી ફરાર થયા હતાં. 

પહલગામ આતંકી હુમલાને આ 22 તારીખે ત્રણ મહિના પૂરા થવા જઈ રહ્યા છે. તેમ છતાં એનઆઈએ સહિત ભારતીય સુરક્ષા એજન્સીઓ હુમલાખોરોને શોધવામાં નિષ્ફળ રહી છે. હુમલો કરનારા ત્રણ આતંકવાદીઓમાં એક લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર સુલેમાન છે. જે જમ્મુ-કાશ્મીરમાં અન્ય ત્રણ આંતકી ઘટનાઓમાં પણ સંડોવાયેલો હતો. સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં શોધ-ખોળ થઈ રહી હોવા છતાં આ ત્રણેય આતંકવાદીઓની ક્યાંય ભાળ મળી નથી.

કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ બૈસરન ખીણમાં અચાનક ત્રણ આતંકવાદી આવ્યા હતાં. તેમણે સ્ત્રી-પુરૂષને અલગ કરી પુરૂષને તેનો ધર્મ પૂછી ગોળી મારી હતી. આ હુમલામાં 26 નિર્દોષે જીવ ગુમાવ્યા હતાં. આ હુમલાની જવાબદારી પાકિસ્તાનમાં સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાની એક વિંગ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ)એ લીધી હતી. કેન્દ્ર સરકારે હુમલાનો બદલો લેતાં નવ મેના રોજ પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદીઓના નવ ઠેકાણે હુમલા કર્યા હતાં. જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. વધુમાં ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ પર પણ પ્રતિબંધ લાદ્યો હતો. તેમજ ભારતમાં વસતા પાકિસ્તાની નાગરિકોને પાછા તેમના વતન મોકલ્યા હતાં.

Leave a comment