મંગળવારે વિદેશ મંત્રી એસ જયશંકરે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મુલાકાત પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું છે કે વિદેશ મંત્રી ભારતની વિદેશ નીતિને બગાડી રહ્યા છે.
જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા છે. આ પહેલા જયશંકરે વિદેશ મંત્રી વાંગ યીને મળ્યા હતા. આ બેઠકમાં તેમણે બંને દેશો વચ્ચે સ્થિર અને રચનાત્મક સંબંધો બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
જયશંકરે કહ્યું કે, સરહદી મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ, લોકો વચ્ચેનો સંપર્ક સામાન્ય બનાવવો જોઈએ અને વેપારમાં આવતા અવરોધોને દૂર કરવા માટે કામ કરવું જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત-ચીન સંબંધો પરસ્પર આદર અને સમજણના આધારે સકારાત્મક દિશામાં આગળ વધી શકે છે.
બેઇજિંગમાં થયેલી બેઠક દરમિયાન, વિદેશ મંત્રી જયશંકરે તેમના ચીની સમકક્ષ વાંગ યી સાથે વેપાર અને પર્યટન સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ ઉઠાવ્યા. તેમણે ચીન દ્વારા લાદવામાં આવેલા નિકાસ નિયંત્રણો અને વેપાર પ્રતિબંધો પર ચિંતા વ્યક્ત કરી. જયશંકરે સ્પષ્ટપણે કહ્યું કે ચીને એવા પગલાં ટાળવા જોઈએ જે ભારતના ઉત્પાદન ક્ષેત્રને નુકસાન પહોંચાડી શકે.
આ સાથે, તેમણે ભારત અને ચીનના લોકો વચ્ચે સંપર્ક વધારવા પર ભાર મૂક્યો. તેમણે મુસાફરીને સરળ બનાવવા, સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમનું માનવું છે કે આનાથી બંને દેશો વચ્ચે પરસ્પર સમજણ અને વિશ્વાસ વધશે.
SCO બેઠક દરમિયાન, વિદેશ મંત્રી એસ. જયશંકરે આતંકવાદ પર ભારતના સ્પષ્ટ વલણનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદનો સામનો કરવાનો છે. આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે બધા સભ્ય દેશોએ ‘ઝીરો ટોલરન્સ’ની નીતિનું નિશ્ચિતપણે પાલન કરવું જોઈએ.
આ સાથે, જયશંકરે કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાના ચીનના નિર્ણયનું સ્વાગત કર્યું. આ યાત્રા છેલ્લા પાંચ વર્ષથી બંધ હતી, અને તેની પુનઃ શરૂઆતને બંને દેશો વચ્ચે વિશ્વાસ અને ધાર્મિક-સાંસ્કૃતિક સંબંધો માટે એક સકારાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે.
સોમવારે જયશંકર અને વાંગ યી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે બેઇજિંગમાં ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ સાથે મુલાકાત કરી હતી.
જયશંકરે વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને જટિલ ગણાવી અને કહ્યું કે ભારત અને ચીન જેવા મોટા પડોશી દેશો વચ્ચે ખુલ્લી વાતચીત ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે ચીનના ઉપરાષ્ટ્રપતિને કહ્યું કે ભારતમાં કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થવાની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે.
