~ અટકી અટકીને શ્વાસ લેતા ગંભીર સમસ્યાગ્રસ્ત ૧૫ માસના ભૂલકાને હસતું રમતું કરીને ઘરે મોકલ્યું
અદાણી સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલમાં અટકી-અટકીને શ્વાસ લેતા અને ગંભીર અવસ્થામાં આવેલા ૧૫ માસના બાળકને હસતું-રમતું કરી દેવાતા પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. આ ભૂલકાને બાળરોગ નિષ્ણાતોએ ૨ મહિનાની લાંબી અને વેન્ટિલેટર જેવી ઘનિષ્ઠ સારવાર આપી હતી.
હોસ્પિટલના બાળરોગ વિભાગના હેડ અને પ્રો. ડો. રેખાબેન થડાની અને ડૉ.યશ્વી દત્તાણીએ બાળકની તબક્કા વાર લાંબી સઘન અને સફળ સારવાર બાદ જણાવ્યું કે, ભુજ તાલુકાના પૈયા ગામનું અસલમ નામનું બાળક ઘરમાં રમતા રમતા શીશીમાં રાખેલું વાળનું તેલ પી જવાને કારણે શ્વાસની જટિલ તકલીફ સર્જાઈ ત્યારે અત્રે લાવ્યા હતા. બાળકની વેન્ટિલેટર, આઇસીયુ સહિતની સઘન સારવાર શરૂ કરી દેવાઈ હતી.
દરમિયાન બાળકના વડીલો કોઈ કારણવશ તેને ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયા,પરંતુ ત્યાં પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો ન જણતા પુનઃ અત્રે લાવ્યા.
ફરી બાળરોગ વિભાગે વેન્ટીલેટર અને આઈસીયુમાં રાખી અને દવાની સારવાર શરૂ કરી, મહિનામાં સુધારાના સંકેત પ્રાપ્ત થવાથી બાળકને આઇસીયુ પરથી નાના મશીન સી.પેપ ઉપર રાખ્યું. સુધારો વધુ જોવા મળતા વોર્ડમાં રાખી જરૂરી દવા અને સારવાર આપતા બાળક રાબેતા મુજબ શ્વાસ લેતું થઈ ગયું અને હસવા-રમવા લાગતા રજા અપાઈ.
જાગૃત વડીલો તબીબની સૂચના મુજબ બાળકને નિયમિત ફોલોઅપ માટે લાવે છે. આ સારવારમાં ડો.દ્વિજ, ડો.શિવાની અને ડો.રોહન સહિતના ડોક્ટર્સ,નર્સ વિગેરે સહયોગી રહ્યા હતા.
