અદાણી ફાઉન્ડેશન અને મુન્દ્રા પેટ્રોકેમ દ્વારા માછીમાર સમુદાયના વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરને અગ્રેસર કરવા માર્ગદર્શન સંમેલનનું આયોજન

અદાણી ફાઉન્ડેશન અને મુન્દ્રા પેટ્રોકેમ દ્વારા માછીમાર સમુદાયના વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરને અગ્રેસર કરવાના ઉદ્દેશ્ય સાથે નવીનાળ ખાતે શૈક્ષણિક કીટ વિતરણ અને માર્ગદર્શન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવીનાળ, ઝરપરા, ત્રગડી અને મોઢવા ગામના માછીમાર સમુદાયના 75થી વધુ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદ્રા અને માંડવી તાલુકાના માછીમાર સમુદાયના વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને આર્થિક સહયોગ પૂરો પાડવાના હેતુથી દર વર્ષે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સમુદાયના વિદ્યાર્થીઓને શિક્ષણ, પરિવહન અને આર્થિક સહાય દ્વારા તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો છે. આ વર્ષે આ કાર્યક્રમમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને માછીમાર સમાજના ચાર વિદ્યાર્થીઓએ ગામમાંથી પ્રથમ વખત 11મું ધોરણ પૂર્ણ કર્યું, જ્યારે 10મા ધોરણમાં 17 વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ માટે પ્રવેશ મેળવ્યો. અને 46 વિદ્યાર્થીઑએ ધોરણ 9માં પ્રવેશ મેળવ્યો, શિક્ષણ ક્ષેત્રે આ સિદ્ધિ અદાણી ફાઉન્ડેશન માટે ગૌરવની વાત છે.

કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું કે, “આ વર્ષે વિદ્યાર્થીઓની મોટી સંખ્યાએ આ પહેલનો લાભ લીધો છે તે જોઈને અમને અત્યંત આનંદ થાય છે. ખાસ કરીને મોઢવા અને ત્રગડીની માછીમાર સમાજની બે છોકરીઓએ 10મું ધોરણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે, જે અમારી પ્રયાસોની સફળતા દર્શાવે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે અદાણી ફાઉન્ડેશનના પ્રયાસો થકી દર વર્ષે માછીમાર સમાજના વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે અને વાલીઓનો સહયોગ પણ ઉત્સાહવર્ધક છે. આવનારા સમયમાં વધુ વિદ્યાર્થી ઊચ્ચ શિક્ષણ તરફ આગળ વધે અને શૈક્ષણિક સ્તરમાં સુધારો આવે તે માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા જરૂરી સહયોગ આપવામાં આવી રહ્યો છે.

આ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ ઉપરાંત પરિવહન સુવિધા અને આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવે છે. આ પહેલના પરિણામે માછીમાર સમુદાયના વિદ્યાર્થીઓ શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ હાંસલ કરી રહ્યા છે. અદાણી ફાઉન્ડેશનની આ ઉડાન શિક્ષણની સમાન તકો પૂરી પાડવા અને સમુદાયના ઉત્થાન માટે અથાક પ્રયાસોનું પ્રતીક છે, જે વિદ્યાર્થીઓના સપનાંઓને વાસ્તવિકતામાં બદલી રહી છે.

Leave a comment