આ અઠવાડિયે ગૂગલ, એલ એન્ડ ટી, બ્રિજસ્ટોન અને ફિલિપ ગ્લોબલ જેવી કંપનીઓને હોટલ જેવા ઓફિસ ભાડા પૂરા પાડતી કંપની સ્માર્ટવર્ક્સના IPOમાં દાવ લગાવવાની તક છે. આ ઇશ્યૂ ગુરુવારે ખુલશે. રોકાણકારો 14 જુલાઈ સુધી બિડ કરી શકશે. કંપનીનો ટાર્ગેટ રૂ. 583 કરોડ એકઠા કરવાનો છે. નાણાકીય વર્ષ 2024-25માં કંપનીની ઓપરેશનલ આવક રૂ. 1,374 કરોડ હતી. જે 2023-24માં રૂ. 1,039 કરોડની આવક કરતાં 32% વધુ છે.
રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ CBREના અહેવાલ મુજબ સ્માર્ટવર્ક્સ દેશની સૌથી મોટી બ્રાન્ડેડ ઓફિસ કેમ્પસ ઓપરેટર છે. કંપનીએ છેલ્લા 2 વર્ષમાં 28.3 લાખ વર્ગ ફૂટ સ્પેસ ઉમેરી છે. જે 2023-2025 વચ્ચે વાર્ષિક 20.8% ની કમ્પાઉન્ડેડ ગ્રોથને દર્શાવે છે.
સ્માર્ટવર્ક્સના કો- ફાઉન્ડર હર્ષ બિનાની કહે છે, ‘કંપની શરૂ કરવાથી લઈને IPO લાવવા સુધી અમે ખૂબ આગળ વધી ગયા છીએ. જ્યારે હું અભ્યાસ માટે વિદેશ ગયો હતો, ત્યારે મેં સ્માર્ટ ઓફિસના ખ્યાલને નજીકથી જોયો હતો. આવી ઓફિસમાં કર્મચારીઓને ખુશ અને સકારાત્મક ઊર્જાનું વાતાવરણ મળે છે. મને એ પણ સમજાયું કે ભારત જેવા ઝડપથી વિકસતા દેશમાં આવો કોઈ કોન્સેપ્ટ નથી. આ ખાલી સ્પેસને ભરવાના હેતુથી મેં 2016માં સ્થાપક નીતિશ સારદા સાથે મળીને તેને ગ્રાઉન્ડ પર લાવવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન અમે કોવિડના બે પડકારજનક વર્ષો પણ જોયા. હાલમાં, અમે દેશના 14 શહેરોમાં લગભગ 1 કરોડ વર્ગ ફૂટ સ્પેસનું સંચાલન કરી રહ્યા છીએ.’
બિનાનીએ કહ્યું, “અમે ગ્રાહકોને હોટલ જેવી વર્કસ્પેસ પૂરી પાડીએ છીએ. આમાં જીમ, રેસ્ટોરન્ટ અને કરિયાણાથી લઈને લોન્ડ્રી સુધીની સુવિધાઓ છે. અમે ડેવલપર્સ પાસેથી જમીન ભાડે લઈએ છીએ. અમે તેને હાઇ-ટેક અને સ્માર્ટ વર્ક સ્ટેશનમાં રૂપાંતરિત કરીએ છીએ અને કંપનીઓને આપીએ છીએ. અમે 5-10 સીટર સ્માર્ટ કેબિન પણ પૂરા પાડીએ છીએ. આ એક લીઝિંગ બિઝનેસ છે, તેથી અમે ફક્ત ઝડપથી વિકસતી કંપનીઓને જ જગ્યા પૂરી પાડીએ છીએ જેમની પાસે મોટી અને મજબૂત બેલેન્સ શીટ હોય છે. ગૂગલ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, ગ્રો અને મેક માય ટ્રિપ જેવી કંપનીઓ અમારા ગ્રાહકો છે.
કંપની વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે ખોટ ઘટાડી રહી છે. ગયા નાણાકીય વર્ષમાં ચોખ્ખી ખોટ રૂ. 63 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2023માં 101કરોડ હતી. આવકના ટકાવારી તરીકે ખોટ પણ ઘટીને 4.5% થઈ ગઈ, જે બે વર્ષ પહેલાં 13.6% હતી તેનાથી સુધારો દર્શાવે છે.
બે વર્ષમાં ઓપરેશનથી આવક બેગણી થઈઃ નાણાકીય વર્ષ 2025માં કંપનીની આવક 1,374 કરોડ રૂપિયા થઈ ગઈ, જે 2023માં 711.4 કરોડ હતી. એટલે બે વર્ષમાં આવક બે ગણી થઈ ગઈ. આ વાર્ષિક 38.98% કમ્પાઉન્ડેડ ગ્રોથ દેખાડે છે
નાણાકીય વર્ષ 2025માં એડજેસ્ટેડ એબિટા (બધા ખર્ચ બાદ કર્યા પછીની આવક) રૂ. 172.23 કરોડ હતી, જે 2023માં રૂ. 36.36 કરોડ હતી. આ સમયગાળા દરમિયાન વાર્ષિક 117.64% ની ચક્રવૃદ્ધિ વૃદ્ધિ દર્શાવે છે.
