ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC)એ તેના રિસર્ચમાં જણાવ્યું હતું કે દેશમાં હાર્ટ-એટેકને કારણે થતાં અચાનક મૃત્યુનો કોવિડ વેક્સિન સાથે કોઈ સીધો સંબંધ નથી.
આ રિસર્ચ 18થી 45 વર્ષની વયના લોકોનાં અચાનક મૃત્યુ પર કેન્દ્રિત હતું. આરોગ્ય મંત્રાલયે એક પ્રેસ રિલીઝમાં આ માહિતી આપી. રિસર્ચથી પુષ્ટિ મળી છે કે ભારતની કોવિડ વેક્સિન સલામત અને અસરકારક છે. એનાથી થતી ગંભીર આડઅસરોના કિસ્સાઓ નહિવત્ છે.
રિસર્ચ દર્શાવે છે કે હૃદય સંબંધિત કારણોથી મૃત્યુનાં બીજા કારણો પણ હોઈ શકે છે. આમાં આનુવંશિકતા, લાઇફસ્ટાઇલ, પહેલાંથી જૂની બીમારી અને કોવિડ બાદના કોમ્પ્લિકેશન સામેલ છે.

અચાનક મૃત્યુનાં કારણોને સમજવા માટે ICMR અને NCDC સાથે મળીને કામ કરી રહ્યા છે. આ માટે બે રિસર્ચ સ્ટડી હાથ ધરવામાં આવી રહ્યા છે. પહેલો ભૂતકાળના ડેટા પર આધારિત હતો અને બીજો રિયલ ટાઈમ ઈન્વેસ્ટિગેશન સાથે સંબંધિત હતો.
ICMRના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી (NIE)એ મે, 2023થી ઓગસ્ટ, 2023 દરમિયાન 19 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની 47 હોસ્પિટલ પર એક અભ્યાસ હાથ ધર્યો હતો.
આમાં એવા લોકોનો ડેટા જોવામાં આવ્યો હતો, જેઓ સ્વસ્થ દેખાતા હતા, પરંતુ ઓક્ટોબર 2021 અને માર્ચ 2023ની વચ્ચે અચાનક મૃત્યુ પામ્યા હતા. પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે કોવિડ વેક્સિન અચાનક મૃત્યુનું જોખમ વધારતી નથી.
આ ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) અને ICMRની મદદથી કરવામાં આવી રહ્યો છે. એનો હેતુ યુવાનો અને પુખ્ત વયના લોકોનાં અચાનક મૃત્યુનાં સામાન્ય કારણો શોધવાનો છે.
અભ્યાસના ડેટાના પ્રારંભિક વિશ્લેષણ દર્શાવે છે કે આ વય જૂથમાં અચાનક મૃત્યુનું મુખ્ય કારણ હાર્ટ-એટેક અથવા માયોકાર્ડિયલ ઇન્ફાકર્શન (MI) રહે છે.
મહત્ત્વપૂર્ણ વાત એ છે કે વર્ષોથી કારણોની પેટર્નમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. મોટા ભાગનાં મૃત્યુમાં જિનેટિક મ્યુટેશન સંભવિત કારણ હોવાનું જાણવા મળ્યું છે. અભ્યાસ પૂર્ણ થયા પછી અંતિમ પરિણામો શેર કરવામાં આવશે.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કોવિડ વેક્સિનને અચાનક મૃત્યુ સાથે જોડતાં નિવેદનો ખોટાં અને ભ્રામક છે. આવા પાયાવિહોણા અહેવાલો અને દાવાઓ દેશમાં વેક્સિન પ્રત્યે અવિશ્વાસ વધારી શકે છે.
બ્રિટિશ ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાએ એપ્રિલ 2024માં સ્વીકાર્યું હતું કે તેમની કોવિડ વેક્સિનથી ખતરનાક આડઅસરો થઈ શકે છે, જોકે આ ફક્ત ખૂબ જ રેર (દુર્લભ) કિસ્સાઓમાં જ થશે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટે એસ્ટ્રાઝેનેકાના ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને કોવિશીલ્ડ નામની વેક્સિન બનાવી હતી.
બ્રિટિશ હાઈકોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં કંપનીએ સ્વીકાર્યું કે તેની કોરોના વેક્સિન કેટલાક કિસ્સાઓમાં થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS)નું કારણ બની શકે છે. આ રોગ શરીરમાં લોહીના ગંઠાવાનું કારણ બને છે અને પ્લેટલેટ્સની સંખ્યામાં ઘટાડો થાય છે.
ઇકોનોમિક ટાઇમ્સે સાયન્સ જર્નલ સ્પ્રિંગરલિંકમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચને ટાંકીને એક અહેવાલ લખ્યો હતો. રિસર્ચ મુજબ, બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) ખાતે હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં ભાગ લેનારા લગભગ એક તૃતીયાંશ લોકોમાં કોવેક્સિનની આડઅસરો જોવા મળી છે.
આ લોકોમાં શ્વસન ઈન્ફેક્શન, લોહી ગંઠાઈ જવું અને ચામડીના રોગો જોવા મળ્યા. સંશોધકોએ શોધી કાઢ્યું કે કિશોરો, ખાસ કરીને કિશોર વયની છોકરીઓ અને કોઈપણ એલર્જીથી પીડાતા લોકોને કોવેક્સિનનું જોખમ રહેલું છે.
