રાજ્ય સરકાર દ્વારા વધુ એક કર્મયોગી હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યના ન્યાયતંત્ર હેઠળ ફરજ બજાવતાં બેલીફ કર્મચારીઓને હાલમાં આપવામાં આવતા માસિક રૂ. 200ના ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સ (F.T.A.)માં રાજ્ય સરકારના અન્ય સંવર્ગો મુજબ વધારો કરીને રૂ. 2,500 ખાસ ભથ્થુ મંજૂર કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય જ્યુડિશિયલ બેલીફ મંડળ દ્વારા કરવામાં આવેલી રજૂઆતને રાજ્ય સરકારે હકારાત્મક પ્રતિસાદ આપતા રાજ્યના ન્યાયિક ખાતામાં ફરજ બજાવતાં તમામ બેલીફ કર્મચારીઓના ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સમાં 1 જુલાઇ, 2025થી વધારો કરવામાં આવ્યો છે. જે અન્વયે રાજ્ય સરકાર પર માસિક રૂ. 34.77 લાખ તથા વાર્ષિક રૂ. 4.18 કરોડનું વધારાનું કાયમી નાણાકીય ભારણ વધશે.
