અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલમાં પોતાને જ સર્વસ્વ સમજવાના ભ્રમમાં જીવતા અને સિઝોફ્રેનિયાના માનસિક રોગથી પીડિત યુવાનને મનોચિકિત્સક તબીબોએ સારવાર આપી એક સામાન્ય માનવીની જેમ જીવવાનું શરૂ કરાવ્યું છે.એટલુંજ નહીં ભણેલો – ગણેલો આ યુવાન હવે ઘરે રહેવા અને નોકરી કરવા પણ તત્પર બની ગયો છે.
હોસ્પિટલના મનો ચિકિત્સક ડો.રિધ્ધિ ઠક્કરએ કહ્યું કે,આ યુવાન જ્યારે હોસ્પિટલમાં આવ્યો ત્યારે તેને એવો ભ્રમ હતો કે,પોતે કોઈ મહાન ઋષિનો પુત્ર છે અને તેની ઉંમર કરોડ વર્ષથી વધુ છે.દુનિયાનો કોઈ પણ વૈજ્ઞાનિક તેની ઉંમર કહી શકે એમ નથી.
ઘરની વ્યક્તિ સમજાવે તો તેમની સાથે ઝગડા કરે.માતા પિતા કે ઘરની વ્યક્તિને દુશ્મન માનતો. છેલ્લા ૪ મહિનાથી તો ઘર છોડીને ભાગી ગયો હતો.તેનો ઇતિહાસ ચકાસતા જાણવા મળ્યું કે છેલ્લા ૧૨ વર્ષથી તેની આ હાલત હતી,એમ ડો.બંશીતા પટેલ અને ડો.ખુશી ગણાત્રાએ વિશેષમાં જણાવ્યું હતું.
આવી સ્થિતિમાં તેને વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરી,દવા,ઇન્જેક્શન અને ECT (શોક) આપવામાં આવ્યા.સતત ૩૬ દિવસ સારવાર આપી અને પછી તેની માનસિક ગાડી પાટે ચડી.ડિસ્ચાર્જ આપ્યું પણ પાંચ દિવસ પછી હાલત બગડતા પુનઃ દાખલ કરાયો.અને ૧૪ દિવસ સુધી મેન્ટેનન્સ ECT સારવાર આપી. આ સારવાર સમયાંતરે લાંબી અને ૬ મહિના સુધી ચાલે છે અને ચોક્કસ દિવસના અંતરે ઘટાડી ECT અપાય છે.નિયમિત સારવાર લેવા પણ આવે છે.એમ ડો.નિસર્ગ પરમારે ઉમેર્યું હતું.
સિઝોફ્રેનિયા શું છે:
સિઝોફ્રેનિયા એક ગંભીર અસ્વસ્થ માનસિક સ્થિતિ છે. જે વિચાર,વ્યવહાર,વાણી અને સામાજિક રીતભાતને ખૂબ પ્રભાવિત કરે છે.રોગીની મતી ભ્રમિત થઈ જાય છે. એવી બાબતો ઉપર ગલત તરીકાથી વિચારે છે કે જે, વાસ્તવિકતાથી જોજનો દૂર હોય છે.
