ઈરાને હોસ્પિટલ પર હુમલો કરતાં ઈઝરાયલ ભડકી ઉઠ્યું

ઈરાને મધ્ય ઈઝરાયલની બીર્શેબા હોસ્પિટલ પર હુમલો કરતાં ઈઝરાયલ ભડકી ઉઠ્યું છે. ઈઝરાયલના રક્ષા મંત્રી કાટ્ઝે ઈરાન વિરૂદ્ધ ઉગ્ર મોરચો છેડતાં તેના સુપ્રીમ લીડર અલી ખામેનેઈને મારવાની ખુલ્લેઆમ ધમકી આપી છે. કાટ્ઝનું આ નિવેદન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના બદલો લેવાના વચનની થોડી ક્ષણો બાદ આવ્યું છે. ઈઝરાયલના સ્થાનિક મીડિયા અનુસાર, ઈઝરાયલના રક્ષા મંત્રી કાટ્ઝે કહ્યું છે કે, હોસ્પિટલ પર હુમલા માટે ખામેનેઈ જવાબદાર છે. આથી હવે અમે સીધા તેમને જ ટાર્ગેટ કરીશું. આ યુદ્ધ એક અપરાધ છે, અને તેની સજા ખામનેઈને મળશે.

ઈઝરાયલના રક્ષા મંત્રીએ કહ્યું કે, જે રીતે ઈરાન હાઈપરસોનિક મિસાઈલનો ઉપયોગ કરી રહ્યું છે. જે નિશ્ચિતપણે સંકેત આપે છે કે, તે યુદ્ધ ઈચ્છે છે. હવે અમે પણ નવી રીતો અપનાવી ઈરાન પર હુમલો કરીશું. અલી ખામેનેઈની સત્તાને હચમચાવી દઈશું. તેના માટે જે કરવુ પડે તે કરીશું. અમે સંભવિત તમામ હુમલા કરીશું. 

તહેરાન પર ઈઝરાયલના હુમલાનો જવાબ આપતાં ઈરાને આજે ઈઝરાયલની બીર્શેબા નામની હોસ્પિટલ પર હુમલો કર્યો હતો. જેમાં છ લોકો ગંભીર રૂપે ઘવાયા છે. 20થી વધુને આશિંક ઈજા થઈ છે. હોસ્પિટલ સંપૂર્ણપણે ધરાશાયી થઈ છે. આ હોસ્પિટલ ઈઝરાયલ ડિફેન્સ ફોર્સના કમાન્ડ એરિયામાં હતી. જેથી તેને ટાર્ગેટ બનાવવામાં આવી છે.

ઈરાન ઈન્ટરનેશનલ અનુસાર, ઈઝરાયલના હુમલાને ધ્યાનમાં લેતાં અલી ખામેનેઈ આખા પરિવાર સાથે તહેરાનના લાવિજાન બંકરમાં છુપાયા હોવાના અહેવાલ છે. આ બંકર ન્યૂક્લિયર સાઈટની નજીક છે. બંકરની પાસે ઈરાન આર્મીનું મથક પણ છે. ખામેનેઈ ઈરાનના સુપ્રીમ લીડર છે. સેનાની કમાન તેમની પાસે છે. ઈઝરાયલના હુમલાના વિરોધમાં ખામેનેઈએ ખુલ્લેઆમ ઈઝરાયલ અને અમેરિકાને ચેતવણી આપી હતી કે, અમે આત્મસમર્પણ નહીં કરીએ.

ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ સોમવારે સલાહ આપી હતી કે, બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈના મૃત્યુ બાદ આવશે. તેમનુ મોત યુદ્ધને વેગ નહીં પણ યુદ્ધનો અંત લાવશે. ઈરાન હંમેશા યુદ્ધ જ ઈચ્છે છે. તેઓ પરમાણુ યુદ્ધ કરવા મજબૂર કરી રહ્યા છે. પરંતુ અમે તેમને અટકાવીશું. 

Leave a comment