જીકે જનરલ હોસ્પિ. ના બાળરોગ તબીબોએ વર્ષા ઋતુમાં પ્રથમવાર માતા બનતી મહિલાઓને આપ્યું માર્ગદર્શન

~ ઘરમાં બુઝુર્ગ મહિલા ન હોય તો વર્ષા ઋતુમાં પ્રથમવાર માતા બનતી મહિલા માટે નવજાતની સંભાળ એક કસોટી

વર્ષા ઋતુમાં જ  પ્રથમવાર માતા બનતી મહિલાઓ માટે એક સમસ્યા હોય છે કે,નવજાતની સંભાળ કેમ રાખવી.જો ઘરમાં કોઈ બુઝુર્ગ મહિલા હોય તો બહુ વાંધો નથી આવતો પણ જો એક જ હોય તો મુશ્કેલી વધી જાય છે.ચોમાસામાં ખુદ મોટેરાઓ પણ સ્વાસ્થ્યની ચિંતા હોય છે ત્યારે આવી માતાની સમસ્યા બેવડાય એ સ્વાભાવિક છે.

અદાણી સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલના બાળ રોગ ડિપાર્ટમેટના ડો.રેખાબેન થડાનીએ અને ડો. યશ્વી દતાણીએ વર્ષા ઋતુમાં પ્રથમ વાર માતૃત્વ પામેલી માતાઓને માર્ગદર્શન આપતા જણાવ્યું કે,સામાન્ય દિવસો કરતાં વર્ષામાં અને તેમાંય પ્રથમ વરસાદમાં ગંદકીનું પ્રમાણ વધુ હોય છે.મચ્છરો અને ગંદકીની અસર બાળકમાં જલ્દી લપેટમાં આવી જાય છે,કેમકે નવજાતમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે.

એટલે સૌ પ્રથમ તો નવજાત બાળકને મચ્છર થી રક્ષણ આપવું. શિશુની ત્વચા કોમળ હોવાથી મચ્છર કરડવાથી તાત્કાલિક પ્રતિકૂળ અસર થાય છે માટે પૂરું શરીર ઢંકાઈ જાય એવા કપડાં પહેરાવવા અને ઘરને અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવું.

સ્તનપાન કરાવતી મહિલાઓએ ખાવા પીવામાં સાંભળવું તેમજ બાળકને જરૂરી રસી પણ અપાવવી.

બાળક વારંવાર પેશાબ કરતું હોવાથી ડાયપર કે વીંટાળેલા કાપડ નિયમિત બદલતા  રહેવું, જેથી શરદી અને તેની પશ્ચાત અસર તાવ વિગેરેથી બાળકને બચાવી શકાય. બાળકને શક્ય હોય ત્યાં સુધી કોટનના કપડાંથી ઢાંકવા જેથી શરીરનું તાપમાન જાળવી શકાય, સાથે માતાએ પોતાના હાથ સ્વચ્છ રાખવા અને  સ્વચ્છ પાણી પીવું. આ દિવસોમાં બાળકને રોજ નવડાવાને બદલે સ્પન્ઝ કરવું ઉપરાંત તેલ માલિશ કરવાથી માંસપેશી મજબૂત બનશે.

આ દિવસોમાં બાળકને શક્ય હોય ત્યાં સુધી બહાર લઈ ન જવું. વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાયેલું હોય છે અને ગંદકી ફેલાયેલી હોય છે. જો બાળકને બહાર લઈ જવાય તો બહારની અસર અને ગંદકી ઘરમાં આવે છે, પરિણામે સંક્રમણ પણ થઈ શકે છે. ત્યારે આ સ્થિતિથી બચવા શિશુને બહાર લઈ જવાનું ટાળવું. તેમ છતાં બાળકોને કોઈ સંક્રમણ કે બીમારી જેવું લાગે તો તુરંત તબીબનો સંપર્ક કરવો હિતાવહ છે.

Leave a comment