ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. આ દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના પરિવારમાંથી જ વિરોધનો શૂર ઉઠ્યો છે. ફ્રાન્સમાં રહેતા અયાતુલ્લા અલી ખામેનેઈના ભત્રીજા મહમૂદ મોરદખાનીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘હું યુદ્ધના પક્ષમાં નથી, ઈસ્લામિક રિપબ્લિકનો અંત એ શાંતિનો એકમાત્ર રસ્તો છે.’
અહેવાલો અનુસાર, વર્ષ1986માં ઈરાન છોડનારા મહમૂદ મોરદખાની તેમના કાકા અયાતુલ્લા અલી ખામેનેઈના નિરંકુશ શાસનના સખત વિરોધ કરી રહ્યા છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘ઈઝરાયલ સાથે તણાવ દુર્ભાગ્યપૂર્ણ છે. એવી વ્યવસ્થા જે ઝૂકવાનું કે પરિવર્તન પસંદ નથી કરતી તેના માટે આ અનિવાર્ય છે. પરિસ્થિતિ યુદ્ધ સુધી પહોંચી ગઈ છે, પરંતુ શું અયાતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુથી બધું બરાબર થઈ જશે?’
63 વર્ષીય મહમૂદ મોરદખાએ કહ્યું, ‘ઘણાં ઈરાનીઓ શાસનની નબળાઈના સંકેતો જોઈને ખુશ છે. જેટલું વહેલું આ ખતમ થાય તેટલું સારું. આનો અંત ઈસ્લામિક રિપબ્લિકના અંત સાથે થવો જોઈએ. નહીં તો તે એક અર્થહીન હાર હશે અને હું હજુ પણ માનું છું કે શાસન બદલો લેશે.’
ઈઝરાયલ જે રીતે ઈરાન પર આડેધડ હુમલા કરી રહ્યું છે તે રીતે જ ઈરાન પણ હવે ઈઝરાયલમાં તબાહી મચાવવામાં પીછેહઠ કરી રહ્યું નથી. ઈરાને ફરી એકવાર બેલેસ્ટિક મિસાઈલથી હુમલા કરીને ઈઝરાયલને હચમચાવી નાખ્યું છે. ઈરાને ઈઝરાયલમાં આવેલી સોરોકા હોસ્પિટલને નિશાન બનાવી હતી. 4 બેલેસ્ટિક મિસાઈલ ઝીંકીને ઈરાને અહીં મોટાપાયે વિનાશ વેર્યો હતો. જો કે, હજુ સુધી આ હુમલામાં કેટલા લોકોના મોત કે ઈજાગ્રસ્ત થયા છે તેના આંકડા સામે આવ્યા નથી.
ઉલ્લેખનીય છે કે, 13મી જૂન 2025ના રોજ ઈઝરાયલ દ્વારા શરૂ કરાયેલ ‘ઓપરેશન રાઇઝિંગ લાયન’ સાથે યુદ્ધ શરૂ થયું, જેમાં ઈરાનના પરમાણુ અને લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. જવાબમાં ઇરાને ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ’ હેઠળ તેલ અવીવ અને જેરુસલેમ સહિત ઈઝરાયલી શહેરો પર અનેક ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલો છોડ્યા. બંને દેશોમાં નાગરિકોના મૃત્યુની સંખ્યા વધી રહી છે. ઈરાનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં 585થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે ઈઝરાયલમાં પણ ઘણી જાનહાનિ થઈ છે.
