તાજેતરમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં જ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતાં એને રદ કરવાની ફરજ પડી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-159, જે બોઇંગ 788ની હતી અને બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી લંડન માટે ટેક-ઓફ થવાની હતી, એ ટેક્નિકલ ખામીના કારણે કેન્સલ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ફ્લાઇટ ટેક-ઓફના માત્ર થોડાક કલાકો પહેલાં જ આ ટેક્નિકલ ખામી ધ્યાનમાં આવી હતી. સદનસીબે, સમયસર આ ખામી પકડાઈ જતાં મોટી દુર્ઘટના ટળી છે અને બધા યાત્રીઓના જીવ બચી ગયા, જોકે આ ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. લંડન જવા નીકળેલા અનેક યાત્રીઓ એરપોર્ટ પર જ અટવાઈ પડ્યા હતા.
આર્ની ખ્રિસ્ચિયને જણાવ્યું કે, અમે 14 તારીખ માટે ફ્લાઈટ બુક કરી હતી તો 13 તારીખે મેઈલ આવ્યો હતો કે, તમારી ફ્લાઈટ કેન્સલ થઈ છે. અમે એર ઈન્ડિયામાં કોલ કર્યો તો 15-20 મિનિટ તો અમારે જવાબ માટે રાહ જોવી પડી. કોઈ કોલ ઉપાડે નહી કે જવાબ ન આપે. પછી ફોન ઉપાડ્યો ત્યારે એવું કહેવામાં આવ્યું કે, તમારે ફ્લાઈટ 17 જૂન માટે રિશેડ્યુલ કરવી પડશે. આજે સવારે 10 વાગ્યે ઈ-મેઈલ આવ્યો કે, તમારી ફ્લાઈટ કેન્સલ થઈ છે. અત્યારે અમને 19 જૂનની ફ્લાઈટ આપવામાં આવે છે પણ શું એરલાઈન્સ અમને ગેરંટી આપશે કે, 19 જૂનની ફ્લાઈટમાં અમે બેસી શકીશું. અમારે લંડનમાં અમારી જોબ ચાલુ થઈ ગઈ છે. અમારે ત્યાં રોજ ઈ-મેઈલ કરીને મેનેજરને જવાબ આપવા પડે છે. આના કારણે અમારુ ભવિષ્ય અમારી નોકરી દાવ પર લાગી છે.
આ ફ્લાઈટના પેસેન્જર પ્રતિક પંડ્યાએ જણાવ્યું કે, પબ્લિકને આવી રીતે હેરાન ન કરો. અહીં આવ્યા પછી તમે કહો છો તો પબ્લિક ક્યાં જશે? ક્યાં રહેશે? 250 લોકો શું કરશે? એરલાઈન્સ દ્વારા કોઈ વ્યવસ્થિત જવાબ આપવામાં નથી આવી રહ્યો, આજની ફ્લાઇટને કાલે રિશેડ્યુલ કરવામાં આવશે, કાલવાળી ફ્લાઈટને પરમ દિવસે રિશેડ્યુલ કરવામાં આવશે. એવું જણાવવામાં આવી રહ્યુ છે. બધા અહીં દૂર દૂરથી આવેલા પેસેન્જરોને મુશ્કેલી પડી રહી છે.
પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની આ સતત બીજી ફ્લાઇટ છે, જેને રદ કરવી પડી છે. અગાઉ પણ એક ફ્લાઇટમાં ખામી સર્જાતાં એને રદ કરવામાં આવી હતી. એર ઇન્ડિયા દ્વારા યાત્રીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપીને ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ વારંવાર આવી ઘટનાઓ બનવાથી યાત્રીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે નિર્ણય લીધો છે કે હવે તેઓ ફ્લાઈટ નંબર 171નો ઉપયોગ નહિ કરે અને હવે ફ્લાઈટનો નંબર 159 અપાયો છે. આ નિર્ણય તાજેતરમાં અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ લેવામાં આવ્યો છે, જેમાં 241 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે.
ગત રાત્રે પણ મુંબઈ એરપોર્ટ પર જ એર ઇન્ડિયાની લગભગ 4 ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી બહાર આવી હતી. અનેક પેસેન્જરોએ હોબાળો મચાવી એર ઇન્ડિયાના સ્ટાફ સામે પોતાનો ગુસ્સો ઠાલવ્યો. હજી અમદાવાદ-લંડનની ફ્લાઇટ ક્રેશ થઇને અનેક લોકો મોતને ભેટ્યા એ સમાચાર હજી ભુલાયા નથી ત્યારે ગત રાત્રે મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બીજી દુર્ઘટના થતાં રહી ગઇ.
આ અંગે ફ્લાઈટના પેસેન્જર અભિલાષ ઘોડાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી હતી કે મુંબઈથી રાત્રે 10:45 વાગ્યે અમદાવાદ માટે ઊપડતી ફ્લાઇટ નં. AI 2919 અંદાજિત 1 કલાક 25 મિનિટે ગેટ નં-42B પરથી સ્ટાર્ટ થયેલી, પરંતુ, રન-વે પર પહોંચે એ પહેલાં જ પાઇલટે યુ-ટર્ન મારી ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી હોવાનું જાહેર કર્યું. પાર્કિંગમાં પરત લઇ દરવાજા ખોલી નાખવામાં આવ્યા અને જ્યાં સુધી રિપેર ન થાય ત્યાં સુધી આ ફ્લાઇટ જશે નહીં, એવું પાઇલટ દ્વારા જાહેર કરવામાં આવ્યું.
