કચ્છમાં મેઘમહેર, 8 તાલુકામાં વરસાદ

કચ્છ જિલ્લામાં મેઘરાજાની મહેરબાની થઈ છે. જિલ્લા મથક ભુજમાં ગઈકાલે રાત્રે 10 વાગ્યા બાદ વરસાદની શરૂઆત થઈ હતી. રાત્રે 12 વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

છેલ્લા 24 કલાકમાં જિલ્લાના 8 તાલુકામાં વરસાદ પડ્યો છે. માંડવીમાં સૌથી વધુ 81 મિમી (3 ઇંચ) વરસાદ નોંધાયો છે. મુન્દ્રામાં 41 મિમી (2 ઇંચ), ભુજમાં 30 મિમી અને ગાંધીધામમાં 31 મિમી વરસાદ પડ્યો છે. નખત્રાણામાં 18 મિમી, ભચાઉમાં 14 મિમી, અંજારમાં 9 મિમી અને અબડાસામાં 8 મિમી વરસાદ નોંધાયો છે.

ભુજની આસપાસના માધાપર, સુખપર અને દેશલપર વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા સર્ક્યુલેશનની અસરથી આ વરસાદ પડ્યો છે. વરસાદને કારણે ઉકળાટ અને ગરમીથી લોકોને રાહત મળી છે.

ભચાઉના હિમતપુરા વિસ્તારમાં નાળાની સફાઈના અભાવે કચરા સાથે સાપના બચ્ચા પણ આવી ગયા છે. સ્થાનિક રહેવાસી ગફુર નારેજા અને અન્ય લોકોએ સાપના બચ્ચાઓને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. લોકોએ તંત્ર પાસે સફાઈ કરાવવાની માંગ કરી છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ, કચ્છમાં હજુ કેસર કેરી આંબા પરથી ઉતારવામાં આવી નથી. વરસાદને કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે.

Leave a comment