ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધથી મિડિલ ઈસ્ટ તણાવ વધ્યો છે, બંને બાજુથી આડેધડ હુમલાઓ ચાલુ છે. આ દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઈરાન સામે ઓપરેશન રાઈઝિંગ શરૂ કર્યું છે. તેમણે ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે, ‘આ તો માત્ર શરૂઆત છે. વધુ તબાહી હજુ થવાનો છે. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. અમારો ઉદ્દેશ્ય ઈરાન દ્વારા ઈઝરાયલના અસ્તિત્વ માટે ઊભા થયેલા ખતરાને ખતમ કરવાનો છે.’
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે, ‘ઈરાનનું બર્બર શાસન દાયકાઓથી ખુલ્લેઆમ ઈઝરાયલને ખતમ કરવાની ધમકી આપી રહ્યું છે. હાલ અમને ગુપ્ત માહિતી મળી છે કે ઈરાન પરમાણુ હથિયાર મેળવવાની નજીક છે. તેણે નવ પરમાણુ બોમ્બ બનાવવા માટે પૂરતું યુરેનિયમ મેળવ્યું છે. આ ફક્ત ઈઝરાયલ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક ગંભીર ખતરો છે. અમે ઈરાનને પરમાણુ હથિયાર વિકસાવવાની મંજૂરી આપી શકતા નથી કારણ કે તે અમારા દેશ અને બાળકોના ભવિષ્ય માટે ખતરો છે.’
અગાઉ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે, ‘છેલ્લા કેટલાક મહિનામાં ઈરાને એવા પગલાં લીધાં છે જે તેણે પહેલાં ક્યારેય લીધા ન હતા. પરમાણુ હથિયાર વિકસાવવા માટે પગલાં. જો આ બંધ નહીં થાય, તો ઈરાન ખૂબ જ ટૂંકા સમયમાં પરમાણુ હથિયાર વિકસાવશે. આ સમય એક વર્ષ, થોડા મહિના કે તેનાથી પણ ઓછો હોઈ શકે છે. આ ઈઝરાયલના અસ્તિત્વ માટે ખતરો છે. 80 વર્ષ પહેલાં યહૂદી લોકો નાઝી હોલોકોસ્ટનો ભોગ બન્યા હતા. આજે અમે ખાતરી કરવા માંગીએ છીએ કે યહૂદીઓ ઈરાનના પરમાણુ નરસંહારનો ભોગ ન બને. અમે તે લોકોને ક્યારેય પોતાના વિનાશના માધ્યમો વિકસાવવા દઈશું નહીં.’
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે (12મી જૂન) મોડી રાત્રે ઈઝરાયલે ઈરાનમાં અનેક સ્થળોએ હવાઈ હુમલા કર્યા, જેમાં નટાન્ઝ ખાતેના તેના પરમાણુ અને સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આની પુષ્ટિ ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કરી હતી. ઈઝરાયલી હુમલા બાદ ઈરાને પણ જોરદાર પ્રતિક્રિયા આપી. ઇઝરાયલી હુમલા બાદ ઈરાને એક સાથે સેંકડો ડ્રોન ઈઝરાયલ તરફ મોકલ્યા. ઈરાનના સુપ્રીમ લીડર ખામેનાઈ સહિત ઈરાની નેતૃત્વએ પણ ઇઝરાયલી હુમલા અંગે કડક ચેતવણી આપી છે.
