અમદાવાદ વિમાન દુર્ઘટનાને બે દિવસ વીતી ગયા છે. ત્યારે સિવિલમાં હાલમાં પણ ડીએનએ ટેસ્ટિંગ કર્યા બાદ મૃતકોના મૃતદેહો પીડિત પરિવારોને સોંપવાની કામગીરી ચાલી રહી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ આ વિમાન દુર્ઘટનામાં નિધન થઇ ગયું હોવાથી તેમના પત્ની અને દીકરો પણ ગાંધીનગર આવી પહોંચ્યા. ડીએનએ રિપોર્ટ બાદ તેમને મૃતદેહ સોંપવામાં આવી શકે છે.
અમદાવાદ પ્લેન ક્રેશના ઘટનાસ્થળે લગભગ 17 જેટલી એજન્સીઓ તપાસ કરી રહી છે ત્યારે એનઆઈએની ટીમ પણ ત્યાં આવી પહોંચી છે. એનઆઈએ દ્વારા આ મામલે તપાસમાં સહયોગ કરવા માટે ગુજરાત સરકાર સમક્ષ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અમદાવાદના ભયાનક પ્લેન ક્રેશમાં મૃત્યુ પામી ગયા. જોકે હજુ સુધી અનેક મૃતદેહોની ઓળખ થઇ શકી નથી. સિવિલ હોસ્પિટલમાં ડીએનએ રિપોર્ટ અને મેચિંગની પ્રક્રિયા ચાલી રહી છે. તેમનો દીકરો પણ ગાંધીનગર પહોંચી ગયો છે. ડીએનએ મેચિંગ બાદ જ તેમના પરિવાર દ્વારા અંતિમવિધિ અંગે ચોક્કસ માહિતી આપવામાં આવશે.
આ દરમિયાન એક અહેવાલ એવા સામે આવ્યા છે કે વિમાનનો કાટમાળ હટાવતી વખતે ટેલના ભાગમાંથી વધુ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ મૃતદેહ વિમાનમાં ફસાયેલી એર હોસ્ટેસનો હોઈ શકે છે.
જોકે કાટમાળ હટાવતી ટીમને જેવો જ આ મૃતદેહ મળ્યો કે તેને તરત જ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં હાલમાં 265 જેટલા લોકોના મૃતદેહો આવી ચૂક્યા છે જેઓ વિમાન દુર્ઘટનાને કારણે મૃત્યુ પામ્યા છે. આ લોકોમાંથી ઘણાના મૃતદેહોની એવી હાલત થઇ ચૂકી છે જેની ઓળખ કરવી પણ મુશ્કેલ છે. જેના લીધે ડીએનએ ટેસ્ટિંગની પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે. જેથી કરીને પીડિત પરિવારોને તેમના પ્રિયજનોના દેહ સોંપી શકાય.
નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ (NAL) ના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર સાલિગ્રામ જે. મુરલીધરે કહ્યું કે અકસ્માત પાછળ એક સંભવિત કારણ મગજમાં આવી રહ્યું છે. તે ઇંધણમાં ભેળસેળનું છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે આ માત્ર એક પ્રાથમિક અનુમાન છે અને તેની પુષ્ટિ તપાસ બાદ જ થશે. મુરલીધરે વધુમાં કહ્યું કે, ‘જો ઇંધણમાં ભેળસેળ હશે, તો તેનાથી ઇંધણને પૂરતી તાકાત નહીં મળે. જેના કારણે વિમાન યોગ્ય રીતે ઉડી શક્યું નહીં.’
