~ કચ્છના રક્તદાતાઓમાં આવેલી જાગૃતિમાં સામજિક અને વ્યવસાયિક સંસ્થાઓનો મોટો ફાળો
કચ્છમાં હવે રક્તદાન પ્રત્યે દિવસે દિવસે જાગૃતિ વધી રહી છે. વ્યક્તિગત ધોરણે લોકો જરૂર પડે ત્યારે તેમજ જિલ્લામાં ગ્રામ વિસ્તાર સુધી કાર્યરત સામાજિક અને વ્યવસાયિક સંસ્થાઓ પણ રક્તદાન કેમ્પ યોજીને જાગૃતિનું કામ કરતી હોવા તેઓ પણ પ્રત્યક્ષ રીતે લોકોને પ્રેરણા આપે છે.પરિણામે આવશ્યક રક્ત મળી રહે છે.
અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલના બ્લડબેંકના હેડ ડૉ.જિગ્નાબેન ઉપાધ્યાયએ ૧૪મી જૂન વિશ્વ રક્તદાતા દિવસ નિમિતે જણાવ્યુ કે, રક્તદાન કરવાની સાથે કોઈની મહામૂલી જિંદગી તો બચી જ શકે છે સાથે વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યની સાચી જાણકારી પ્રાપ્ત કરવા ઉપરાંત રક્તદાનથી ભાવનાત્મક આરોગ્યમાં પણ સુધારો જોવા મળે છે.
તેમણે કહ્યું કે રક્તની જરૂરિયાત અનેક કારણોને લીધે હોય છે કોઈ દુર્ઘટનામાં ઘાયલો,ગર્ભવતી મહિલાઓ, ઓપરેશન કરાવેલા પીડિત, થેલેસેમિયા દર્દીઓ માટે તેમજ કેન્સર અને એનિમિયાના દર્દીઓને પણ રક્તની વારંવાર જરૂર પડતી હોવાથી રક્ત સંગ્રહ એક પડકારરૂપ બની રહે છે.
બ્લડબેંકના આસી.પ્રો.ડો.સુમનબેન ખોજાએ કહ્યું કે, આજે પણ ટેકનોલોજીના યુગમાં લાંબા સમય સુધી રક્તનો સંગ્રહ કરી શકાતો નથી એટલે જ તેની અછત લગાતાર જોવા મળે છે, પરિણામે સમયાંતરે રક્ત મેળવવા રક્તદાતાઓને અનુરોધ કરવામાં આવે છે જો કે તેનો હંમેશા સાનુકૂળ પ્રતિસાદ મળતો રહે છે. એમ બ્લડ બેન્ક ના કાઉન્સેલર દર્શન રાવલે વધુમાં જણાવ્યું કે માટે જ નિયમિત કેમ્પ યોજી રક્ત એકત્રિત કરવા ઝુંબેશ ચલાવવામાં આવે છે.
રક્તદાન કરવાથી શરીરમાંથી રક્ત ઓછું થઈ જાય છે, એવો છુપો ભય કે ભ્રાંતિ લોકોમાં હોવાથી ક્યારેક રક્તદાન કરવાથી લોકો દૂર રહે છે એ બાબતે તબીબોએ કહ્યું કે સામાન્ય રીતે એક યુનિટ રક્તદાન કરવાથી શરીરની કુદરતી રચના જ એવી હોય છે કે બે ત્રણ દિવસમાં જ લોહી બની જાય છે, એટલે આવી બાબતોથી ડરવાની જરૂર નથી.
તબીબોએ કહ્યું કે, જો કે રક્તદાન પૂર્વે કેટલીક બાબતો અવશ્ય ધ્યાન રાખવી જોઈએ જેમકે પૂરતું પાણી પીવું જરૂરી છે. ખાલી પેટે રક્તદાન ન થાય એ પણ આવશ્યક છે. કોઈને ગંભીર બીમારીના લક્ષણ હોય તો પણ રક્તદાન ન કરી શકાય. એકવાર રક્તદાન કર્યા પછી ચાર મહિને રક્તદાનની સલાહ અપાય છે. તેમ છતાં કોઈ સમસ્યા જણાય તો તબીબો જ રક્ત લેવાની મનાઈ કરે છે.
