હવે 24 કલાક પહેલાં જ રેલવેએ વેઇટિંગ ટિકિટ કન્ફર્મેશનની જાણ થશે

ભારતીય રેલવેએ વેઇટિંગ લિસ્ટમાં રહેલા મુસાફરો માટે નવા નિયમો લાવ્યા છે. હવે મુસાફરોને ટ્રેન ઉપડવાના એક દિવસ પહેલા ખબર પડશે કે તેમની સીટ કન્ફર્મ છે કે નહીં.

રેલવેએ હવે ટ્રેન ઉપડવાના 24 કલાક પહેલા ચાર્ટ તૈયાર કરવાનો સમય નક્કી કર્યો છે. અગાઉ રિઝર્વેશન ચાર્ટ ઉપડવાના માત્ર 4 કલાક પહેલા તૈયાર થતો હતો. આવી સ્થિતિમાં, વેઇટિંગ ટિકિટ ધરાવતા લોકોને ટિકિટ કન્ફર્મ છે કે હનહીં તેની છેલ્લી ક્ષણ સુધી રાહ જોવી પડતી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નિયમ 6 જૂનથી બિકાનેર વિભાગમાં લાગુ કરવામાં આવ્યો છે. ધીમે ધીમે તેને દેશભરના અન્ય વિભાગોમાં પણ લાગુ કરવામાં આવશે.

રેલવેએ એમ પણ કહ્યું કે નવા નિયમથી તત્કાલ ટિકિટ બુકિંગ કે અન્ય નિયમોમાં કોઈ ફેરફાર થશે નહીં. તત્કાલ ટિકિટ મુસાફરીના એક દિવસ પહેલા બુક કરવામાં આવશે અને તેમની પુષ્ટિ પ્રક્રિયા પહેલા જેવી જ રહેશે.

આ પહેલા ભારતીય રેલવેએ 1 મેથી વેઇટિંગ ટિકિટ માટે નવા નિયમો લાગુ કર્યા હતા. આ નિયમો અનુસાર, વેઇટિંગ લિસ્ટ ટિકિટ ધરાવતા મુસાફરોને હવે સ્લીપર કે એસી કોચમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

જે મુસાફરોની ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં છે તેઓ હવે ફક્ત જનરલ કોચમાં જ મુસાફરી કરી શકશે. જો કોઈ મુસાફર વેઇટિંગ ટિકિટ પર એસી કે સ્લીપર કોચમાં મુસાફરી કરતો જોવા મળશે તો તેને દંડ કરવામાં આવશે.

રેલવેએ જણાવ્યું હતું કે IRCTC દ્વારા બુક કરાયેલી ટિકિટ કન્ફર્મ ન થાય તો તે આપમેળે રદ થઈ જાય છે, પરંતુ લોકો ટ્રેનમાં ચઢવા માટે કાઉન્ટર પરથી બુક કરાયેલી ટિકિટનો ઉપયોગ કરે છે. આ કારણે કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડે છે.

1 મે, 2025થી અમલમાં આવનારો બીજો નિયમ એ છે કે IRCTC વેબસાઇટ અથવા એપ પરથી બુક કરાયેલ દરેક ટ્રેન ટિકિટ માટે OTP-આધારિત મોબાઇલ વેરિફિકેશન જરૂરી રહેશે. આ પગલાનો હેતુ સુરક્ષા વધારવા અને બુકિંગ સિસ્ટમનો દુરુપયોગ અટકાવવાનો છે.

21 મેના રોજ, ભારતીય રેલવેએ વેઇટલિસ્ટ ટિકિટ માટે ઓટો અપગ્રેડ પ્રક્રિયામાં ફેરફાર કર્યા. IRCTC અનુસાર, જો બર્થ ખાલી હોય તો પણ સ્લીપર ક્લાસ ટિકિટોને ફર્સ્ટ એસીમાં અપગ્રેડ કરવામાં આવશે નહીં.

અત્યાર સુધી જો કોઈ સીટ ઉપલબ્ધ ન હોય તો વેઇટલિસ્ટેડ મુસાફરની ટિકિટ બુક કરાયેલી શ્રેણી કરતાં ઉચ્ચ શ્રેણીમાં અપગ્રેડ કરવામાં આવતી હતી, પરંતુ આ નિયમ બદલાઈ ગયો છે.

ટ્રેનના રિઝર્વ્ડ કોચમાં સીટ વિતરણને વધુ વ્યવસ્થિત બનાવવા અને ઉચ્ચ શ્રેણીના કોચમાં ભીડને નિયંત્રિત કરવા માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે.

સેન્ટર ફોર રેલ્વે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ (CRIS) આ નવા નિયમને લાગુ કરવા માટે તેના સોફ્ટવેરને અપડેટ કરી રહ્યું છે.

નવા નિયમ મુજબ, હવે સ્લીપર ક્લાસની ટિકિટ ફક્ત બે ક્લાસ સુધી અપગ્રેડ કરવામાં આવશે.

  • ઉદાહરણ તરીકે- સ્લીપર ક્લાસ (SL) ટિકિટ મહત્તમ થર્ડ એસી (3A) અથવા સેકન્ડ એસી (2A) માં અપગ્રેડ કરી શકાય છે પરંતુ ફર્સ્ટ એસી (1A) માં નહીં.
  • તેવી જ રીતે, થર્ડ એસી (3A) ટિકિટને વધુમાં વધુ ફર્સ્ટ એસી (1A) માં અપગ્રેડ કરી શકાય છે.

અગાઉ, જો સ્લીપર ક્લાસ અથવા અન્ય નીચલા વર્ગોમાં ટિકિટો વેઇટલિસ્ટમાં હોય અને ઉચ્ચ વર્ગ (જેમ કે 3A, 2A અથવા 1A) માં બેઠકો ઉપલબ્ધ હોય, તો મુસાફરો આપમેળે ફર્સ્ટ એસી (1A) માં અપગ્રેડ થઈ શકતા હતા.

Leave a comment