ગુજરાતના માજી સૈનિકોએ સરકાર સમક્ષ તેમના પ્રશ્નોના નિરાકરણ માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. રાજ્યના માજી સૈનિકોના 14 મહત્ત્વના પ્રશ્નો પર રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાની સમિતિ રચવામાં આવી હતી. જેની બેઠક 23મી નવેમ્બર 2022 અને 26મી જૂન 2023ના રોજ અધિક મુખ્ય સચિવ (ગુહ)ની અધ્યક્ષતામાં મળી હતી. આ દરમિયાન રાજ્ય સરકારે આપેલા વચનોનું બે વર્ષે પણ પાલન ન થતા માજી સૈનિકોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રજૂઆત કરી છે.
માજી સૈનિકોના પ્રતિનિધિઓ જણાવ્યાનુસાર, બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓનું કોઈ સમાધાન આજ સુધી થયું નથી અને સરકાર તરફથી પરિપત્ર સુધારવા અથવા નવા નિયમો બનાવવાની કોઈ કાર્યવાહી થઈ નથી. માજી સૈનિકોએ આરોપ લગાવ્યો કે, બેઠકમાં થયેલા નિર્ણયો પછી લગભગ બે વર્ષ વીતી ગયા હોવા છતાં, અમલનો અભાવ જોવા મળ્યો છે. આ ઉપરાંત તેમણે ગુજરાત સરકારે વધુ ચર્ચાઓ કરવા માટે નવો પત્ર મોકલવાની પણ માંગ કરી છે.
માજી સૈનિકોનું કહેવું છે કે, ‘અન્ય રાજ્યોમાં નિવૃત સૈનિકો અને તેમના પરિવારો માટે મહત્ત્વના નિયમો લાગુ કરવામાં આવ્યા છે. પરંતુ ગુજરાતમાં હજુ સુધી કોઈ સ્પષ્ટ નીતિ અમલમાં નથી. અમે હંમેશા દેશની રક્ષા માટે સજ્જ છે અને અગાઉ પણ ઓપરેશન સિંદૂર દરમિયાન યુદ્ધ લડવાની તૈયારી દર્શાવી હતી. માજી સૈનિકોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવેદનપત્ર પાઠવીને આ પ્રસ્તાવના તાત્કાલિક નિરાકરણ માટે અપીલ કરી છે.’
