અમેરિકામાં આજથી 12 દેશના નાગરિકોને નો-એન્ટ્રી

અમેરિકામાં આજથી 12 દેશના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ અમલમાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 4 જૂને આ અંગેનો આદેશ જાહેર કર્યો હતો, જે આજથી એટલે કે 9 જૂનથી અમલમાં આવશે.

12 દેશ ઉપરાંત આજથી 7 દેશના નાગરિકો પર આંશિક પ્રતિબંધ લાદવામાં આવશે. આ પ્રતિબંધ ઇમિગ્રેશન અને નોન-ઇમિગ્રેશન વિઝા બંને પર લાગુ થશે. ટ્રમ્પે પોતાના નિર્ણય પાછળ અમેરિકન લોકોના જીવનની સલામતી અને રક્ષણનો ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે 4 જૂને કહ્યું હતું કે- “આતંકવાદી હુમલા કરવાનો, રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોંચાડવાનો, નફરત ફેલાવવાનો અથવા ઇમિગ્રેશન કાયદાનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરતા વિદેશી નાગરિકોથી યુનાઇટેડ સ્ટેટ્સનું રક્ષણ કરવું મહત્ત્વપૂર્ણ છે.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અનુસાર, સંપૂર્ણ પ્રતિબંધનો અર્થ એ છે કે તે દેશના મોટા ભાગના નાગરિકોને યુએસમાં પ્રવેશવાથી સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવે છે. આમાં ટૂરિસ્ટ વિઝા, સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા અને ઇમિગ્રન્ટ વિઝા મેળવવા માગતા લોકોનો સમાવેશ થાય છે.

એ જ સમયે આંશિક પ્રતિબંધનો અર્થ એ છે કે તે દેશના નાગરિકો માટે ચોક્કસ પ્રકારના વિઝા અથવા પ્રવેશો પ્રતિબંધિત છે, પરંતુ અન્ય લોકો માટે નહીં, એટલે કે તમને ઇમિગ્રન્ટ વિઝા નહીં મળે, પણ તમે ટૂરિસ્ટ વિઝા મેળવી શકો છો. વિદ્યાર્થીઓને પરવાનગી મળશે, પરંતુ વર્ક વિઝા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

ટ્રમ્પે અન્ય દેશોના નાગરિકોને વિઝા આપતી વખતે સાવધાની રાખવા કહ્યું છે. તેમણે કહ્યું હતું કે વિઝા આપતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે એવા લોકો અમેરિકા ન આવે, જે અમેરિકનો અથવા દેશનાં હિતોને નુકસાન પહોંચાડી શકે.

ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન 2017માં ટ્રાવેલ પ્રતિબંધ લાદ્યો હતો, જેને ઘણીવાર મુસ્લિમ પ્રતિબંધ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં મોટેભાગે મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોનો સમાવેશ થતો હતો.

જાન્યુઆરી 2017માં જારી કરાયેલા આદેશ અનુસાર, શરૂઆતના પ્રતિબંધમાં જે સાત દેશો પર અમેરિકામાં પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો એમાં ઈરાન, ઇરાક, લિબિયા, સોમાલિયા, સુદાન, સિરિયા અને યમનનો સમાવેશ થાય છે.

બાદમાં એમાં ફેરફારો કરવામાં આવ્યા. પહેલા ઇરાકને આ યાદીમાંથી હટાવવામાં આવ્યું. બાદમાં સુદાનને દૂર કરવામાં આવ્યું અને તેની જગ્યાએ ચાડને ઉમેરવામાં આવ્યું. પછી ઉત્તર કોરિયા અને વેનેઝુએલા જેવા બિન-મુસ્લિમ દેશોને પણ સામેલ કરવામાં આવ્યા, જેથી તેને ધાર્મિક ભેદભાવ ન કહી શકાય.

ટ્રમ્પે આતંકવાદને રોકવા માટે આ પ્રતિબંધોને જરૂરી ગણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે આ પ્રતિબંધો એટલા માટે પણ જરૂરી છે, જેથી વિદેશી સરકારો પાસેથી સહયોગ મેળવી શકાય, ઇમિગ્રેશન કાયદા લાગુ કરી શકાય અને રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશનીતિ અને આતંકવાદ સામેના કાર્યને આગળ ધપાવી શકાય.

આદેશમાં જણાવાયું છે કે અફઘાનિસ્તાન તાલિબાન દ્વારા નિયંત્રિત છે, જે એક આતંકવાદી જૂથ છે અને પાસપોર્ટ અથવા નાગરિક દસ્તાવેજો જારી કરવા માટે કોઈ સક્ષમ અથવા સહાયક સરકાર નથી. ઉપરાંત ત્યાં કોઈ યોગ્ય ચકાસણી પદ્ધતિઓ નથી.

Leave a comment