ટ્રમ્પથી અલગ થતાં જ મસ્કનો ગુસ્સો ફાટ્યો

ટેસ્લાના માલિક ઇલોન મસ્કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા ફંડિંગ બિલની આકરી ટીકા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એને ઘૃણાસ્પદ અને શરમજનક ગણાવ્યું છે.

મસ્કે તેમની પોસ્ટમાં લખ્યું,” હું હવે સહન કરી શકતો નથી. આ બિલ ખૂબ મોટું, હાસ્યાસ્પદ અને નકામા ખર્ચાઓથી ભરેલું છે. જેમણે તેની તરફેણમાં મતદાન કર્યું છે તેમને શરમ આવવી જોઈએ.

મસ્કે કહ્યું હતું કે આ બિલથી યુએસ બજેટ ખાધ 2.5 ટ્રિલિયન ડોલર સુધીનો વધારો થશે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ (સંસદ) દેશને કંગાળ બનાવી રહી છે.

બીજી એક પોસ્ટમાં, મસ્કે કહ્યું કે આવતા વર્ષે નવેમ્બરમાં અમે તે બધા રાજકારણીઓને હટાવીશું, જેમણે જનતા સાથે દગો કર્યો છે.

આ બિલનું નામ વન બિગ બ્યૂટિફુલ બિલ એક્ટ છે. તે ટ્રમ્પના 2017ના કર ઘટાડાને આગળ ધપાવે છે. આ ઉપરાંત તે સેના અને સરહદ સુરક્ષા પર ખર્ચમાં વધારો કરે છે, પરંતુ બદલામાં ગરીબોને પૂરી પાડવામાં આવતી આરોગ્ય સેવાઓ, ખાદ્ય સહાય અને અન્ય યોજનાઓમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે.

એક સરકારી અહેવાલ મુજબ, આ બિલ આગામી 10 વર્ષમાં અમેરિકાના દેવાંમાં લગભગ 3.8 ટ્રિલિયન ડોલરનો વધારો કરશે. હાલમાં અમેરિકા પર કુલ 36.2 ટ્રિલિયન ડોલરનું દેવું છે.

  • આવકવેરા અને એસ્ટેટ ટેક્સમાં 2017માં કરાયેલા ઘટાડાને કાયમી બનાવવા સાથે, કરવેરા કાપમાં વધારો કરવાનો પણ પ્રસ્તાવ છે.
  • ઓવરટાઇમ અને સામાજિક સુરક્ષા આવક પર કર ઘટાડવાનો પ્રસ્તાવ. વ્હાઇટ હાઉસ કહે છે કે વાર્ષિક 30 હજારથી 80 હજાર ડોલર કમાતા લોકોએ આવતા વર્ષે 15% ઓછો કર ચૂકવવો પડશે.
  • ગેરકાયદે ઇમિગ્રેશન રોકવા માટે સરહદ સુરક્ષા પર વધુ ખર્ચ કરવો અને યુએસ સૈન્યને મજબૂત બનાવવું.
  • સરકારમાં નકામા ખર્ચ, છેતરપિંડી અને દુરુપયોગ અટકાવવા માટે કડક પગલાં.
  • દેવાંની મર્યાદા એટલે સરકાર કેટલું દેવું લઈ શકે એની મર્યાદા વધારવી. આ મર્યાદા સમયાંતરે વધારવી પડે છે, જેથી સરકાર તેના બિલ અને ખર્ચ ચૂકવી શકે.

ટ્રમ્પે બિલની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તે અવિશ્વસનીય છે અને બજેટ ખાધ ઘટાડે છે. તેમણે સંકેત આપ્યો કે તેઓ વધુ મોટા કર કાપ ઇચ્છે છે.

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પહેલાંથી જ મસ્કના અભિપ્રાયને જાણે છે અને તેઓ બિલને યોગ્ય માને છે.

Leave a comment