અયોધ્યામાં રામલલ્લા મંદિરના શિખર પર સોનાથી જડેલા કળશને સ્થાપિત કરવામાં આવ્યો

અયોધ્યામાં રામલલ્લા મંદિરના શિખર પર સોનાથી જડેલો કળશ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ કળશ દૂરથી જ ચમકી રહ્યો છે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રવિવારે મંદિરના ભવ્ય અને ચમકતા સોનાથી જડિત શિખરની તસવીરો જાહેર કરી. મંદિરમાં 5 જૂને રામ દરબારની સ્થાપના કરવામાં આવશે. આ માટે અનુષ્ઠાન 3 જૂનથી શરૂ થશે.

5 જૂને, અયોધ્યા રામ મંદિરમાં રામ દરબાર સહિત 7 મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થશે. ગંગા દશેરા પર સવારે 11 વાગ્યા પછી અભિજિત મુહૂર્તમાં પૂજા શરૂ થશે. પ્રાણપ્રતિષ્ઠામાં અયોધ્યા અને કાશીના 101 આચાર્યો ભાગ લેશે. આ કાર્યક્રમમાં ટ્રસ્ટ દ્વારા સીએમ યોગીને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. યોગીએ આમંત્રણનો સ્વીકાર કર્યો છે.

પ્રાણપ્રતિષ્ઠાનો અનુષ્ઠાન કાર્યક્રમ 3 જૂનથી શરૂ થશે. આ પહેલાં 2 જૂને મહિલાઓ દ્વારા સરયૂ જળ કળશ યાત્રા કાઢવામાં આવશે. 3 જૂનના રોજ સવારે 6.30 વાગ્યાથી બધાં મંદિરોમાં વિશેષ પૂજા-પાઠ શરૂ થશે અને રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. બપોરે 1 કલાકનો આરામ હશે. એવી જ રીતે 4 જૂને પણ વિશેષ પૂજા-પાઠ કરવામાં આવશે. ત્યાર બાદ 5 જૂને સવારે 5.30 વાગ્યે પૂજા શરૂ થશે. 11 વાગ્યા પછી પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે.

મંદિરના પહેલા માળે રામ દરબાર સ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યારે કમ્પાઉન્ડ વોલમાં 6 મંદિરમાં ભગવાન સૂર્ય, ગણેશ, હનુમાન, શિવ, માતા ભગવતી અને માતા અન્નપૂર્ણાની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિરોમાં 5 જૂને પ્રાણપ્રતિષ્ઠા થશે.

આ ઉપરાંત સપ્ત મંડપમાં 7 મંદિર બનેલાં છે, જેમાં મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, મહર્ષિ વશિષ્ઠ, નિષાદરાજ, અહિલ્યા અને શબરીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે.

પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હજુ સુધી એ નક્કી થયું નથી કે પહેલા માળે આવેલા રામ દરબાર અને કિલ્લામાં આવેલાં 6 ભગવાન સૂર્ય, ગણેશ, હનુમાન, શિવ, માતા ભગવતી અને માતા અન્નપૂર્ણાનાં મંદિરો કયા દિવસે ભક્તોનાં દર્શન માટે ખોલવામાં આવશે. મંદિરના પશ્ચિમ ભાગમાં એક લિફ્ટ લગાવવામાં આવી રહી છે.

પ્રાણપ્રતિષ્ઠાના અનુષ્ઠાનમાં CM યોગી અને કાશી-અયોધ્યાના 101 આચાર્યો ઉપરાંત, 20 સંત-ધાર્મિક નેતાઓ, 15 ગૃહસ્થ અને ટ્રસ્ટના અધિકારીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોર પર રામલલ્લાનાં દર્શન ચાલુ રહેશે.

રામ દરબારની મૂર્તિઓ મકરાણાના સફેદ આરસપહાણમાંથી બનેલી છે. આમાં ભગવાન શ્રી રામ અને સીતા સિંહાસન પર બિરાજમાન છે. ભરત અને હનુમાનજી ભગવાન શ્રીરામનાં ચરણો પાસે બેઠા છે. જયપુરમાં આ પ્રતિમા બનીને તૈયાર થઈ છે. તે સત્ય નારાયણ પાંડે, ગોવિંદ, કેશવ સહિત 5 શિલ્પકાર દ્વારા બનાવવામાં આવી છે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ છે. મંદિર પરિસરને વિવિધ સજાવટ, ફૂલો, માળા, દીવા અને ધ્વજથી શણગારવામાં આવી રહ્યું છે. ભક્તોની ભીડ સતત વધી રહી છે તેમજ વહીવટીતંત્ર સુરક્ષા અને વ્યવસ્થા અંગે સંપૂર્ણપણે સતર્ક છે.

Leave a comment