‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. એ પહેલાં જ સરકારે ગુજરાત સહિત દેશના વિવિધ જિલ્લામાં મોકડ્રિલ યોજી હતી. સરહદ પર સીઝફાયર થયા બાદ ફરી એકવાર ગુજરાતમાં સિવિલ ડિફેન્સની મોકડ્રિલ યોજવાનો નિર્ણય કરાયો છે.
આવતીકાલે ગુરુવારે ગુજરાતમાં સાંજે 5થી 8 વાગ્યા સુધી મોકડ્રિલ યોજવાનો નિર્ણય કરાયો છે. આ બાબતે આજે જિલ્લા કલેક્ટર સાથે વીડિયો-કોન્ફરન્સિંગથી બેઠક પણ કરાશે.
પાકિસ્તાનની સરહદે આવેલાં રાજ્યોમાં ગુરુવારે સાંજે એક મોકડ્રિલ યોજાશે. આ મોકડ્રિલ ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરમાં યોજાશે. આ સમય દરમિયાન લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવશે. સરકારે ચાર રાજ્ય- જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં મોકડ્રિલનો આદેશ આપ્યો છે. આ ચારેય રાજ્ય પાકિસ્તાન સરહદે આવેલાં છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 3300 કિલોમીટરથી વધુ લાંબી સરહદ છે. જમ્મુ-કાશ્મીર નજીક આવેલી બોર્ડરને નિયંત્રણરેખા એટલે કે LoC કહેવામાં આવે છે, જ્યારે પંજાબ, રાજસ્થાન અને ગુજરાત નજીક આવેલી બોર્ડરને આંતરરાષ્ટ્રીય સરહદ (IB) કહેવામાં આવે છે.
‘ઓપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાન સામે તણાવ વધવાની શક્યતાને જોતાં 7 મેના રોજ દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં મોકડ્રિલ યોજાઈ હતી. ગુજરાતના 18 જિલ્લામાં પણ મોકડ્રિલ યોજવામાં આવી હતી. 22 દિવસ બાદ હવે ફરી ગુજરાતમાં સિવિલ ડિફેન્સની મોકડ્રિલ યોજવાનો નિર્ણય કરાયો છે.
