જો તમે યુપીઆઈ એપનો ઉપયોગ કરતા હોવ તો આ સમાચાર વાંચી લો. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ એક પરિપત્ર જાહેર કરીને નિર્ણય કર્યો છે કે, ‘પહેલી ઓગસ્ટ 2025થી યુપીઆઈ યુઝર્સ એક એપમાં એક દિવસમાં 50 વખત જ બેલેન્સ ચેક કરી શકશે.’ જો કે, આ નિયમ ખાસ કરીને ટ્રેડર્સ માટે મુશ્કેલી સર્જી શકે છે, જે દરેક ગ્રાહકની ચૂકવણી પછી બેલેન્સ ચેક કરવા ટેવાયેલા છે.
આ પરિપત્રમાં NPCI એ તમામ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર (PSP)ને નિર્દેશ કર્યો છે કે, 31 જુલાઈ સુધી યુપીઆઈ નેટવર્કના દસ સૌથી વધુ ઉપયોગમાં લેવાતા એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ (API) જેમ કે બેલેન્સ ચેક, ઓટો પેમેન્ટ અને ટ્રાન્ઝેક્શન ચેક જેવા ઈન્ટરફેસ નવા નિયમ પ્રમાણે મર્યાદિત કરી દે. જો તેનું પાલન નહીં કરાય તો બેંક અને સર્વિસ પ્રોવાઈડર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં અનેક યુઝર્સ UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ)નો ઉપયોગ કરે છે. તમામ નાની-મોટી લેવડ-દેવડ માટે યુપીઆઈનો વ્યાપક ઉપયોગ થતો હોય છે. આ સાથે કેટલાક યુઝર્સને યુપીઆઈ પર વારંવાર બેલેન્સ ચેક કરવાની આદત હોય છે, જોકે હવે આ નવા નિયમને કારણે યુઝર્સે આદત સુધારવી પડશે.
એનપીસીઆઈ 21 મેએ જાહેર કરેલા નોટિફિકેશન મુજબ, હવે યુપીઆઈ બેલેન્સ ચેક કરવા પર અંકુશ મૂકવામાં આવ્યો છે. યુઝર્સ હવે નવા નિયમ મુજબ એક દિવસમાં મહત્તમ 50 વખત બેલેન્સ ચેક કરી શકશે. આ નવો નિયમ પહેલી ઓગસ્ટ-2025થી લાગુ થવાનો છે. નવી સુવિધા દરેક એક એપને લાગુ પડશે. એટલે કે જો તમે UPI માટે બે એપનો ઉપયોગ કરો છો તો, તમે બેલેન્સ ચેક કરવા માટે 50-50 વખતની લિમિટનો લાભ ઉઠાવી શકશો.
વાસ્તવમાં યુપીઆઈની એપ યોગ્ય રીતે કામ કરે તે હેતુથી બેલેન્સ ચેકના નિયમમાં ફેરફાર કરાયો છે. વારંવાર યુપીઆઈ બેલેન્સ ચેક કરવાથી સિસ્ટમ સ્લો પડી જાય છે, જેના કારણે એપમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નવા નિયમ હેઠળ તમામ બેંક અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સને નિર્દેશ અપાયો છે કે, સવારે 10.00 વાગ્યાથી બપોરે 1.00 વાગ્યા સુધી અને સાંજે 5.00 વાગ્યાથી રાત્રિના 9.30 કલાક સુધી નોન-કસ્ટમર એપીઆઈ રિક્વેસ્ટ મર્યાદિત કરવામાં આવે. બીજી તરફ, પ્રોવાઈડરે ખાતરી આપવી પડશે કે આ સ્થિતિમાં પણ પ્રોસેસિંગ સ્પિડ ઘટાવ ઘટાડવામાં નહીં આવે.
યુપીઆઈ એ એક ઈન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ છે જે તમને મોબાઇલ પ્લેટફોર્મ મારફતે સીધા બેંક ખાતામાંથી પૈસા મોકલવા અને પ્રાપ્ત કરવાની સુવિધા આપે છે. આ માટે તમારે બેંક ખાતાની વિગતો (જેમ કે એકાઉન્ટ નંબર, IFSC કોડ) દાખલ કરવાની જરૂર પડતી નથી. તેના બદલે, તમે તમારા સ્માર્ટફોનનો ઉપયોગ કરીને માત્ર એક યુનિક આઈડેન્ટિફાયર (વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ અથવા UPI ID) દ્વારા પૈસા મોકલી અને મેળવી શકો છો.
