અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલમાં કાર્યરત ડાયેટ અને ઈન્ટિગ્રેટેડ કાઉન્સેલિંગ અને ટેસ્ટિંગ સેન્ટર (આઈ.સી. ટી. સી.) દ્વારા ઓપીડી અને વોર્ડમાં દાખલ દર્દીઓમાં તબક્કાવાર એચ.આઈ.વી.,સિફિલિસ અને ટી.બી.જેવા રોગના અટકાવ માટે અને યોગ્ય પોષણક્ષમ ખોરાક લેવાના હેતુસર માર્ગદર્શન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
હોસ્પિટલના પેથોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડૉ.જિગ્નાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ચાલતા આ જાગૃતિ કાર્યક્રમમાં સિફિલસ સમાન ગુપ્ત રોગમાં વિના સંકોચે ડોક્ટર્સનો સંપર્ક કરવો જેથી ચેપ ફેલાતો રોકી શકાય જ્યારે એચ.આઇ.વી.રોગમાં ખાસ કરીને પ્રેગ્નન્ટ મહિલાએ તપાસ કરવી લેવી જરૂરી છે. એજ પ્રકારે ટી.બી.રોગમાં નિયમિત સારવારનું મહત્વ પ્રત્યેક દર્દીને સમજાવવામાં આવે છે.
હોસ્પિટલના આહાર વિભાગના ડાયેટિશિયન સોનુ યાદવ અને સંકલિત પરામર્શ અને પરીક્ષણ કેન્દ્ર કાઉન્સેલર રેખાબેન વિશ્વકર્મા દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
સિફિલિસ એક જાતિય સંચારિત સંક્રમિત રોગ છે.જે ગુપ્ત અંગોની આસપાસ, મળમાર્ગની જગ્યાએ અને મોઢા ઉપર પ્રાથમિક ચરણમાં દેખાય છે,જો વેળાસર તપાસ અને સારવાર ન કરવામાં આવે તો આ રોગ ચેતાતંત્ર,હૃદય અને હાડકાં સુધી પણ પહોંચી શકે છે.જલ્દી ઇલાજથી આ રોગની ગંભીરતાથી બચી શકાય છે.સાથે સાથે એચ.આઈ.વી.ના કારણ,લક્ષણ,રોકથામ,ઉપચાર ઉપર વિસ્તૃત જાણકારી આપવામાં આવે છે.ઉપરાંત ટી.બી. સમયસરની સારવારથી મટી શકે છે,તેવી સલાહ કાઉન્સેલર મારફતે અપાય છે.
આહારશાસ્ત્રી ટી.બી.માટે પ્રોટીનયુક્ત ખોરાક ઉપર વિશેષ ભાર મૂકી ફાઇબર અને વિટામિન સી.આધારિત ખોરાક લેવા ખાસ ભલામણ કરે છે, જ્યારે સિફિલિસ માટે સંતુલિત ખોરાક અને એચ.આઈ.વી.માટે પ્રોટિન તેમજ લોહતત્વ સમૃદ્ધ હોય તેવો ખોરાક લેવા માર્ગદર્શન આપવામાં આવે છે.
