હવામાન વિભાગે 1 જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયાં સ્થળે વરસાદની આગાહી કરી છે. આજે (27 મે) મોટા ભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે છૂટાછવાયાં સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહી સાથે 40થી 50ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 28 અને 29 મેએ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં મોડીરાતથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ, તાપી, છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં મિની વાવાઝોડાની અસર સાથે વરસાદ ખાબક્યો હતો. ગીર પંથકમાં ફરી મેઘમંડાણ થયાં છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢમાં વરસાદને લઈને ગિરનારની રોપવે સેવા બંધ કરી દેવામાં આવી છે. ગિરનારનાં ભદ્ભુત દૃશ્યો સામે આવ્યાં છે. આજે અમાસ હોવાના કારણે સુરતના ડુમસ બીચ અને સોમનાથના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. ડુમસ બીચ પરથી સહેલાણીઓે દૂર કરાયા હતા તો સોમનાથના દરિયામાં લોકો બેરોકટોક જોખમી રીતે સ્નાન કરતા જોવા મળ્યા હતા. આજે સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં 35 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં 60 મિમી વરસાદ વરસ્યો છે.
ભરૂચ તાલુકાના તવરા ગામે ગત મોડીરાત્રે બે ત્રણ વાગ્યાના અરસામાં ભારે પવન સાથે વરસાદ વરસતા ગામલોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. મધ્યરાત્રીએ પવન સાથે આવેલા વરસાદે ગામના અનેક મકાનોના પતરાઓ ઉડ્યા હતા. તથા વીજપોલ સહિત ઘટાદાર વૃક્ષો પણ ધરાશાયી થયા હતા.
સોમનાથના સમુદ્ર કિનારે આજે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. જિલ્લા મેજિસ્ટ્રેટે સમુદ્ર સ્નાન પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં પ્રવાસીઓ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. વર્તમાન વરસાદી વાતાવરણમાં સમુદ્રમાં ભારે કરન્ટ અને મહાકાય મોજાઓને કારણે પરિસ્થિતિ વધુ જોખમી બની છે. સ્થાનિક વહીવટી તંત્રે સલામતીના ભાગરૂપે સમુદ્ર સ્નાન પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું છે. સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવા છતાં, તેમની હાજરી જોવા મળતી નથી. આ પરિસ્થિતિનો લાભ લઈ પ્રવાસીઓ મનફાવે તેમ સમુદ્રમાં સ્નાન કરી રહ્યા છે. કોઈ પણ અધિકારી કે સુરક્ષાકર્મી તેમને રોકવા આગળ આવતા નથી.આ બેજવાબદાર વર્તણૂકથી પ્રવાસીઓ પોતાના જીવન સાથે જોખમી રમત રમી રહ્યા છે. સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે તાત્કાલિક પગલાં લઈ નિયમોનું કડક પાલન કરાવવું જરૂરી બન્યું છે.
આજે અમાસની ભરતી સમયે ડુમસના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. ડુમસ બીચ નજીક આવેલા દરિયા ગણેશ મંદિરના પગથિયા સુધી દરિયાનું પાણી પહોંચ્યું હતું. આજે મોટી સંખ્યામાં સહેલાણીઓ ડુમસ બીચ પર પહોંચ્યા હતા. પરંતુ, પોલીસ વિભાગે સહેલાણીઓને તાત્કાલીક સલામત સ્થળે ખસેડી દીધા હતા. પોલીસ જવાનોએ ડુમસ બીચ વિસ્તાર અને દરિયા ગણેશ મંદિર પાસે ‘નૉ એન્ટ્રી’ ઝોન જાહેર કરી નિયમિત પેટ્રોલિંગ શરૂ કર્યું છે. “કોઈ દુર્ઘટના ન બને એ માટે અમે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ રાખ્યું છે,” તેવી માહિતી સ્થાનિક પોલીસ અધિકારીએ આપી હતી.
સુરત જિલ્લામાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં હજારો હેક્ટર જમીનમાં તૈયાર થયેલા પાકને નુકસાન થયું છે. ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો અને કેટલાક વિસ્તારોમાં કાપણી કરીને ભેજ સુકવવાની કામગીરી ચાલી રહી હતી. પરંતુ વરસાદને કારણે ખુલ્લામાં સુકવણી માટે મૂકેલો ડાંગરનો પાક પલળી ગયો છે. કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ મુદ્દે ધ્યાન દોર્યું છે.
આ ઉપરાંત તલ, શાકભાજી અને કેરી, ચીકુ, કેળા, જાંબુ સહિતના બાગાયતી પાકોને પણ મોટું નુકસાન થયું છે. પલળી ગયેલા ડાંગરના ગ્રેડિંગમાં ઘટાડો થવાથી ખેડૂતોને આર્થિક નુકસાન થશે.
ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ ખેડૂતો માટે બરબાદી લાવ્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી મોટા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ફરી એક વખત ખેડૂતોની સફેદ અને લાલ ડુંગળી મોટા પ્રમાણમાં પલળી ગઈ છે.
બે દિવસ પહેલા જ મહુવા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળીની આવક શરૂ કરવામાં આવી હતી, પરંતુ માર્કેટિંગ યાર્ડના ખુલ્લા ગ્રાઉન્ડમાં ઉતારો આપવામાં આવતા ખેડૂતોને ખૂબ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. યાર્ડની અંદર ખેડૂતોના અનેક વાહનો ફસાયા છે, તો બીજી તરફ ડુંગળી પણ સંપૂર્ણપણે પલળી ચૂકી છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની એક લાખ થેલાની આવક થઈ હતી, જ્યારે લાલ ડુંગળીની 5000 થેલાની આવક થઈ હતી.
જે પ્રમાણે આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદ ધમરોળી રહ્યો છે, તેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં ડબલ વધારો થયો છે. સૌથી મોટી વાત તો એ છે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં હરાજી દરમિયાન ખેડૂતોની ડુંગળીના એક મણના ભાવ બોલાતા હોય છે પરંતુ હાલ વરસાદના કારણે કોઈપણ માપદંડ વગર ખેડૂતો ડુંગળી મફતના ભાવે વેચી રહ્યાં છે.
ગિરનાર પર્વત પર આજે વહેલી સવારે ભીની આંધી અને ભારે પવનના કારણે રોપવે સેવા અટકાવી દેવામાં આવી છે. આકાશમાં છવાયેલા ઘેરા વાદળો વચ્ચે ગિરનારનો નજારો અદભુત લાગી રહ્યો છે. ભક્તો માટે વિશેષ આનંદદાયક ક્ષણ એ હતી, જ્યારે તેઓ વહેલી સવારે માતાજીની આરતીના દર્શન કરી શક્યા. યાત્રાળુઓએ દૃશ્ય અને વાતાવરણ બંનેનો આનંદ માણ્યો, તેમ છતાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપવે વ્યવસ્થાપકોએ તકેદારીનાં પગલા લીધા છે.
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. રાજુલા તાલુકાના ચૌત્રા ડુંગર, માંડલ, ડોળિયા, બાલાપર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જાફરાબાદ તાલુકાના વઢેરા, મીતીયાળા, નાગેશ્રી, સરોવડા, ભટવદર, કંથારીયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હાલમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.
