ખોખરામાં રહેતા યુવકને એસ ટી નિગમમાં સીનીયર કર્લાકની નોકરી અપાવવા માટે રૂ. 97 હજાર લઈને એસ ટી નિગમનો નકલી એપાઈન્ટમેન્ટ લેટર આપીને છેતરપીંડી આચરવા બદલ બે વ્યકિતઓ વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે, ખોખરામાં રહેતા ગૌરાંગભાઈ ગજજર જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમની ઓફિસમાં આશિષ ક્રિશ્ચીયન નામનો માણસ કોમ્પ્યુટર રીપેરીંગ કરવા માટે આવતો હતો જેની સાથે ઓળખાણ થઈ હતી. મે 2024માં આશિષે કહ્યુ હતુ કે મારો મિત્ર નિલેશ મકવાણા બોરસદમાં રહે છે અને તેને ગુજરાત એસ ટી વિભાગમાં ખૂબ ઓળખાણ છે, તે પૈસા લઈને બધાને સરકારી નોકરી અપાવે છે. આથી આશિષની વાતોમાં આવીને ગૌરાંગભાઈએ પોતાના માટે નોકરીની વાત કરતા આશિષે નિલેશને જાણ કરતા હાલમાં એસ ટી વિભાગમાં સિનીયર કર્લાકની જગ્યા ખાલી પડી હોવાનુ કહીને ડોક્યુમેન્ટ મંગાવ્યા હતા. ગૌરાંગભાઈએ આશિષને પોતાના ડોક્યુમેન્ટ આપ્યા હતા, બાદમાં નિલેશે નોકરી મેળવવા માટે રૂ. 70 હજાર આપવા પડશે તેમ કહેતા ગૌરાંગભાઈએ નિલેશની દિકરીના એકાઉન્ટમાં ટુકડે ટુકડે કુલ રૂ. ઓનલાઈન 96,200 આપ્યા હતા. તેમજ બે વાર ડોક્યુમેન્ટ વેરીફિકેશનના રૂપિયા પણ આપ્યા હતા. ગત ઓગસ્ટ 2024 માં નિલેશે ગૌરાંગભાઈને એપોઈન્ટમેન્ટ લેટર ઈમેઈલથી મોકલી આપ્યો હતો.
જેમાં એસ ટી વિભાગનો લોગો નહોઈ શંકા જતા એસ ટી વિભાગમાં તપાસ કરતા ત્યાં સિનિયર કર્લાકની કોઈ જગ્યા નહોવાનુ તેમજ લેટર પણ નકલી હોવાનું જાણવા મળ્યુ હતુ. આ અંગે નિલેશ પાસે પૈસા પરત માંગતા તેણે વાયદા કર્યા હતા પરંતુ પૈસા નહી આપતા તેની વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનમાં અરજી આપતા તેણે રૂ. 71, 500 નો ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં ભરતા બાઉન્સ થયો હતો. અંતે ગૌરાંગભાઈએ વટવા પોલીસ સ્ટેશનમાં નિલેશ મકવાણા અને આશિષ કિશ્ચીયન સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.
