જીકે જન. હોસ્પિ. માં સિઝોફ્રેનિયાના રોજ સરેરાશ ૨ – ૩ નવા અને ૩૦ જુના દર્દીઓ સારવાર લે છે

~ સિઝોફ્રેનિયા માનસિક વિકારમાં વ્યક્તિ સાચા ખોટાંનો ભેદ પારખવાની તાર્કિક શક્તિ ગુમાવે છે અને પોતાની વાતને જ  સત્ય માને છે

દર વર્ષે ૨૪ મે ના રોજ વિશ્વ સિઝોફ્રેનિયા દિવસ ઉજવવામાં આવે છે.સિઝોફ્રેનિયા એક એવો માનસિક વિકાર છે, જે રોગમાં વ્યક્તિને એવો ભ્રમ,ચિતભ્રમ કે આભાસ થાય છે કે જેમાં પોતે જે બાબતને માની લીધી હોય એજ સનાતન સત્ય છે.સાચા ખોટાનો ભેદ પારખવાની તાર્કિક શક્તિ ગુમાવી દે છે, કેમકે મગજ અને શરીર વચ્ચે તાલમેલ બેસાડતા રસાયણ(ડોપામાઈન)ની માત્રા વધી જવાથી આમ થાય છે.

અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના મનોચિકિત્સક તબીબના જણાવ્યા મુજબ આવો મનોવિકાર કોઈપણ ઉંમરે થઈ શકે છે તેથી દર્દીને ઘર અને સામાજિક સધિયારાની જરૂર પડે છે, એટલેજ આ દિવસ મનાવાય છે. ભારતમાં ૪૦ લાખ લોકો આ રોગથી પીડિત છે.અત્રે રોજ  સિઝોફ્રેનિયાના સરેરસ નવા ૨ થી ૩ અને ૩૦ જેટલા જૂના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

સારવાર અંગે ડો. બંસિતા પટેલ અને કંગના દેસાઈએ જણાવ્યું કે,આ રોગ માટે નિર્ધારિત દવા (એન્ટી સાયકોટિક) જ મુખ્ય  ઉપચાર છે,જેમાં બ્રેઇન અને બોડી વચ્ચેના મુખ્ય સંદેશવાહકોને પુનઃયોગ્ય રીતે કાર્યાન્વિત કરી દર્દીને આ રોગમાંથી રાહત આપવામાં આવે છે,પણ સારવાર નિયમિત લેવી તેની મુખ્ય શરત છે.જો સારવાર અધવચ્ચે છોડી દેવામાં આવે તો પુનઃ રોગ ઉથલો મારી શકે છે. અત્રેની હોસ્પિટલમાં શેક સારવાર ઉપરાંત જરૂર પડે તો દર્દીને દાખલ પણ કરાય છે.

સિઝોફ્રેનિયાના લક્ષણો:

તબીબોના જણાવ્યા મુજબ,પીડિત પોતાની દુનિયામાં વ્યસ્ત રહે છે અને જાતને અન્યોથી અલગ કરી લે છે.જેમકે એકલા રહેવું, એકલા એકલા હસવું-રડવું તો સતત રડવું, ગુસ્સો ખૂબ કરવો, ક્યારેક મારામારી પણ કરવી અને એવો વહેમ પણ રાખી બેઠા હોય છે કે, લોકો મારશે, લોકો મારી વાતો કરે છે, મને નુકસાન પહોંચાડશે જેવા લક્ષણો  દેખાય છે.

આમ થવાના કારણોમાં ખરાબ જીવનશૈલી અને પર્યાપ્ત પોષણયુક્ત આહારનો અભાવ,કસરતનો અભાવ, ઓછી ઊંઘ અને ચીડિયાપણું વિશેષ જવાબદાર હોય છે.માદક દ્રવ્યોનું સેવન પણ ખરાબ અસર કરે છે,જે મગજની કાર્યપ્રણાલી છિન્નભિન્ન શકે છે ઉપરાંત ઉછેર અને આનુવંશિક પરિબળ પણ એટલાજ જવાબદાર હોય છે.

Leave a comment