વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના બિકાનેરથી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ નવીનીકરણ પામેલા 103 રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું. આ સ્ટેશનોમાં ગુજરાતના 18 રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે.
કચ્છના સામખિયાળી રેલવે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા. સામખિયાળી સરપંચ જગદીશ મઢવી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો પણ કાર્યક્રમમાં જોડાયા.
કાર્યક્રમ દરમિયાન રેલવે વિભાગના કર્મચારીઓના બાળકોએ દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. ભચાઉ વિકાસ વિસ્તાર સત્તા મંડળના પૂર્વ ચેરમેન વિકાસ રાજગોરે કાર્યક્રમનું સંચાલન કર્યું.
નવીનીકરણ પામેલા સામખિયાળી રેલવે સ્ટેશન પર પ્રવાસીઓ માટે અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આમાં વિશાળ વેઇટિંગ રૂમ, લિફ્ટ, ઊંચા અને લાંબા પ્લેટફોર્મ અને પીવાના પાણી માટે વોટર કૂલર જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
