કચ્છ જિલ્લામાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લા મથક ભુજમાં મધ્યાહ્ને તાપમાન 41 ડિગ્રી નોંધાયું છે.
પૂર્વ વિભાગમાં અંજાર અને ગાંધીધામ શહેરમાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉકળાટ અને સખત તાપના કારણે લોકો ઘર કે કામકાજના સ્થળ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત નથી. ચોમાસાની ઋતુ જેમ નજીક આવતી જાય છે તેમ જિલ્લાનું વાતાવરણ સતત ઉષ્ણ બની રહ્યું છે.
ભારે ઉકળાટ અને બફારાના કારણે લોકો પરસેવેથી રેબઝેબ થઈ રહ્યા છે. પશ્ચિમ કચ્છની છેવાડે આવેલા લખપતના દયાપરમાં બપોરના સમયે બજાર સુમસામ જોવા મળ્યું હતું. લોકો ગરમીથી બચવા સુરક્ષિત સ્થળે આશરો લઈ રહ્યા છે. ગરમીની વ્યાપક અસર કચ્છના પ્રવેશદ્વાર અડેસરથી છેક છેવાડાના અબડાસા સુધી વર્તાઈ રહી છે.
