ગાંધીધામમાં ભૂગર્ભ વીજ કેબલ સેવા મળશે

કચ્છના ગાંધીધામમાં વીજળીના ઓવરહેડ માળખાને અંડરગ્રાઉન્ડ કરવાના રૂ. 247 કરોડના પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાતમુહૂર્ત કરશે. આ ચક્રવાત પ્રતિરોધક ભૂગર્ભ કેબલ વીજળી વિતરણ પ્રોજેક્ટથી ગાંધીધામના 53 હજાર વીજગ્રાહકો અને ઉદ્યોગોને લાભ થશે.

પ્રોજેક્ટ અંતર્ગત 11 કે.વી. ફીડર, એલ.ટી. લાઇન અને સર્વિસ વાયરનું સમગ્ર ઓવરહેડ વીજળી વિતરણ માળખું ભૂગર્ભ કેબલ નેટવર્કમાં ફેરવવામાં આવશે. આ પ્રોજેક્ટ 65 ચોરસ કિ.મી. વિસ્તારને આવરી લેશે. નેટવર્કમાં 1000 રિંગ મેઇન યુનિટ્સ સ્થાપવામાં આવશે. 23 ફીડરને ભૂગર્ભ નેટવર્કમાં રૂપાંતરિત કરાશે. પ્રોજેક્ટમાં 156 કિ.મી હાઇ ટેન્શન અને 223 કિ.મી લો ટેન્શન ઓવરહેડ લાઇનને ભૂગર્ભમાં ફેરવવામાં આવશે. 53 હજાર ગ્રાહકો માટે 1000 કિલોમીટરના સર્વિસ વાયરને પણ ભૂગર્ભમાં ફેરવાશે.

કચ્છ જિલ્લામાં પ્રથમ વખત ગાંધીધામમાં આ અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સંપૂર્ણ ઓવરહેડ-ટુ-અંડરગ્રાઉન્ડ રૂપાંતર પ્રોજેક્ટ અમલમાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ગાંધીધામને ગુણવત્તાયુક્ત અને અવિરત વીજ પુરવઠો આપવાનો છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ચક્રવાત સામે સુરક્ષિત નેટવર્ક મળશે. વીજ પુરવઠામાં ખામી આવે તો તરત જ એક સ્ત્રોતથી બીજા સ્ત્રોતમાં વીજ સપ્લાય બદલી શકાશે.

Leave a comment