કચ્છની યુવા મહિલાએ સંજોગો વસાત અતિ ઝેરી કહી શકાય તેવી જંતુનાશક દવા પી જવાથી શરીરમાં પ્રસરેલા ઝેરની વ્યાપક અસર થઈ હોવા છતાં અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલમાં ૨૫ વર્ષીય મહિલાને મેડિસિન અને ડાયાલિસિસ વિભાગે સઘન સારવાર બાદ બચાવી લીધી હતી.
હોસ્પિટલના મેડિસિન વિભાગના આસિ. પ્રોફે.અને તબીબ ડો.મોહિની દાત્રાણીયાએ મહિલાની સફળ સારવાર બાદ જણાવ્યું કે,યુવતીએ જે દવા લીધી હતી તેમાં ઝેરનું પ્રમાણ એટલું બધું હોય છે કે, અસરગ્રસ્તમાં બચવાની તકો નહીવત હોય છે,પરંતુ ડાયાલિસિસ સહિતની કુલ ૧૨ દિવસની ઘનિષ્ઠ સારવાર થકી મહિલાને જીવતદાન મળ્યું હતું.
હોસ્પિટલના નેફ્રોલોજિસ્ટ ડો.હર્ષલ વોરાના માર્ગદર્શન હેઠળ દર્દીને ૬ વખત ડાયાલિસિસ આપવું પડ્યું હતું.
ડો.દાત્રાણીયાના જણાવ્યા મુજબ દવા પી લેવાની આ દુર્ઘટના બાદ જ્યારે યુવતીને ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવી ત્યારે પેટમાં દુખાવો,ઉલ્ટી,ચક્કર આવતા હતા, જે ઝેરની અસરના લક્ષણો હતા.વિસ્તૃત પૂછપરછના અંતે અત્યંત ઝેરી પ્રકારની દવા હોવાનું જાણવા મળ્યું અને વિવિધ રિપોર્ટ સાથે કીડનીમાં ક્રિએટીનિનનું સ્તર શરૂઆતમાં સામાન્ય હતું પણ ૪ દિવસ બાદ ૩.૪ની ગંભીર કક્ષાએ પહોંચી ગયું હતું.
ક્રિએટીનીનના વધવાના કિસ્સામાં ડાયાલિસિસ ઉપયોગી પુરવાર થાય છે,કેમકે ઝેર કિડનીમાંથી થઈ પેશાબ વાટે બહાર નીકળી જાય છે.છેવટે ૧૨ દિવસની ડાયાલિસિસ સહિતની સારવાર બાદ મહિલાને રજા આપવામાં આવી હતી.
