ચંડોળા તળાવમાં મંગળવારે બીજા તબક્કાના ડેમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવશે. ગેરકાયદે બાંધકામો તોડવા માટે મોટાપાયે સાધન સામગ્રી ખડકી દેવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે 6 ડીસીપી, 2 જેસીપી સહિત પોલીસ અને એસઆરપીના 3500થી વધુ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આશરે આઠ હજાર જેટલાં ગેરકાયદે ઝૂંપડા, દબાણો દૂર કરીને 2.5 લાખ ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરાશે. આ પહેલાં પ્રથમ તબક્કામાં 1.5 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી.
મ્યુનિ.એ 35 હીટાચી મશીન, 15 જેસીબી (બુલડોઝર) તૈયાર કર્યા છે. ચંડોળા તળાવના 7 ઝોન પાડ્યા છે. જ્યાં એકસાથે ડેમોલિશનની કામગીરી સવારે 7 વાગ્યાથી શરૂ કરાશે. 7 ઝોનના તમામ એસ્ટેટ અધિકારીઓને કર્મચારીઓને તેમ જ મજૂરોને સ્થળ પર બોલાવી લેવાયા છે.
ફાયરબ્રિગેડની 2 ટીમ, 4 મેડિકલ ઇમરજન્સી ટીમ પણ સ્થળ પર હાજર રહેશે. હજુ પણ આ વિસ્તારમાં 8 હજારથી વધારે ઝુંપડાં હોવાનું મનાય છે. પ્રથમ તબક્કામાં 4 હજારથી વધુ ગેરકાયદે ઝૂંપડાં તોડી પાડવામાં આવ્યાં હતાં. 1500થી 2 હજાર મકાનમાલિકોએ સ્વેચ્છાએ પણ મકાનો તોડ્યા હોવાનું જાણવા મળે છે.
પોલીસ કમિશનરે કહ્યું કે, વર્ષ 2025 દરમિયાન અમદાવાદમાંથી 250 ગેરકાયદે બાંગ્લાદેશી પકડાયા હતા, જેમાંથી 206 ચંડોળાના હતા. તેમાંથી 200ને ડિપોર્ટ કરાયા છે.
લલ્લા બિહારીએ આગોતરા જામીન અરજી કરી
ચંડોળા તળાવમાં સરકારી જમીન પર ગેરકાયદે ઝૂંપડાં, મકાનો, ગોડાઉન, પાર્કિંગ અને ફાર્મ હાઉસ બનાવી લોકોને ભાડે અને વેચાણ આપી કરોડોનું કૌભાંડ કરનારા મુખ્ય આરોપી લલ્લા બિહારી સહિત પાંચ લોકો વિરુદ્ધ ઇસનપુર પોલીસમાં મણિનગર સિટી મામલતદારે ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં આરોપી લલ્લુ બિહારીએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે, જે અંગે 21 મેના રોજ સુનાવણી હાથ ધરાશે.
